ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. અને 3જી માર્ચના રોજ ગુજરાતનું બજેટ વિધાનસભામાં રજુ કરાશે. કોરોના કાળમાં વેપારીઓને ખૂબ સહન કરવું પડ્યું છે. ત્યારે વેપાર જગતને બજેટમાં રાહત મળશે તેવી આશા છે. ગુજરાતના બજેટમાં પ્રોફેશનલ ટેક્સમાંથી વેપારી સમાજને મુક્તિ આપવામાં આવે તે માટે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા રાજયના મુખ્યમંત્રી, અને નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જ્યેન્દ્ર તન્નાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતું કે, વેપાર વ્યવસાયની વ્યાખ્યાનું ખોટું અર્થઘટન થવાના કારણે વર્ષોથી વેપારી આલમ આ કાયદાનો ખોટી રીતે ભોગ બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઝીણવટભરી રીતે આ કારોબારની આ બન્ને પ્રવૃતિઓ વચ્ચેની ભેદરેખા ચુકાદાઓમાં સ્પષ્ટ કરેલા છે. આથી ગુજરાતના વ્યાપારી સમાજને માટે બજેટમાં પ્રોફેશનલ ટેક્સ નાબૂદીનો નિર્ણય લેવામાં આવે તેવી સમસ્ત ગુજરાતના વેપારી સમાજ આશા રાખીને બેઠો છે.
કોરોના કાળ દરમિયાન વેપારી આલમે હાલાકી ભોગવી છે. અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે. અગણિત વેપારીઓએ ધધાઓના વ્યહેવારો બદલવા પડ્યા છે, આઇ.આઇ.એમ.ના સર્વે મુજબ ચાલીસ ટકા વેપારીઓને માઠી અસર થઈ છે. આ સર્વવિદિત હોવા છતાં હજુ સુધી રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાના મોટા ભાગીદાર વેપારી આલમને રાહત કે મદદ માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ જ આયોજન કરાયું નથી અને લોકડાઉન હતું છતાં આ પ્રકારના વેરામાં કોઇ માફી કે રાહત મળી નથી. આવા સંજોગોમાં જો ગુજરાત રાજ્યમાંથી વેપારી સમાજને પ્રોફેશનલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આપવી જોઈએ.