અમદાવાદઃ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંકજ સમયમાં શિક્ષકોની નવિન ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ટેટ અને ટાટની પરીક્ષાથી વંચિત બી.એડ. અને પીટીસી પાસ થયેલા બેરોજગાર શિક્ષીત યુવાનો દ્વારા ટેટ અને ટાટની પરીક્ષા લીધા બાદ નવિન શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રાજ્યમાં શિક્ષકોની ભરતી ઘણા લાંબા સમય બાદ થઈ રહી છે. અને જગ્યાઓ પણ અનેક ખાલી છે. ત્યારે પીટીસી અને બીએડ થયેલા વિદ્યાર્થીઓની માગણી છે કે, ટેટ અને ટાટની પરીક્ષા લેવાય અને તેના પરિણામ બાદ શિક્ષકોની ભરતી કરવી જોઈએ. આ બાબતે પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદ પ્રજાપતિ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે. પ્રથમ ટેટ અને ટાટની પરીક્ષા યોજવામાં આવે ત્યારબાદ નવિન શિક્ષકોની ભરતી કરવામાં આવે ટેટ-2ની પરીક્ષા 2017માં અને ટેટ-1 અને ટેટ-2 ની પરીક્ષા 2018માં લેવામાં આવી હતી. સરકારના પરીપત્ર મુજબ દરવર્ષે ટેટ તથા ટાટની પરીક્ષા લેવી છતાં પણ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી તેમજ અન્ય કારણોસર પરીક્ષા યોજાઇ શકી નથી.હવે જનજીવન રાબેતા મુજબ થયુ છે અને અનેક તહેવારો અને ઉત્સવો પણ ઉજવાઈ રહ્યા છે અને મહદ અંશે કોરોનાનું સંક્રમણ પણ ઓછું થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો પ્રથમ બી.એડ અને પીટીસી કરેલ ઉમેદવારોની ટેટ-ટાટની પરીક્ષાનું આયોજન કરી તેનું પરીણામ જાહેર થયા બાદ જ નવિન શિક્ષકોની ભરતી થાય રજુઆત કરવામાં આવી હતી.