ગાંધીનગરઃ ગુજરાતમાં 550 થી વધુ ગૌશાળા તેમજ 250 થી વધુ પાંજરાપોળમાં પણ સાડા છ લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે. ત્યારે કોરોનાના કાળને લીધે દાતાઓ દ્વારા અપાતી સહાયમાં પણ ઘટાડો થતાં પાંજરોપોળ અને ગૌ શાળાઓના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકાર પાસે વધુ સહાય મળે તેવી માગણી કરી રહ્યા છે.ગાયના અધિકાર તેમજ તેના રક્ષણ માટે કામ કરતાં ગૌભક્તો અને ગૌશાળા ના સંચાલકો સરકાર પાસે ગૌવંશને બચાવવા માટે તેમજ ગૌશાળા ચલાવવા માટે કાયમી સહાયની માંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ગૌ શાળાના સંચાલકો અને ગૌ ભક્તો સરકાર પાસે વારંવાર આ મામલે રજૂઆતો કરે છે પરંતુ પરિણામ મળ્યું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી બાદ મોટાભાગના ઉદ્યોગ ધંધાની આવક ઘટી છે. ધંધા-રોજગારમાં મંદીના કારણે જે ભક્તો ગૌશાળા અને પાંજરાપોળમાં દાન કરતા હતા. તેમના દાન ની આવક ઘટી છે. કોરોના મહામારી પહેલા ગૌશાળા અને પાંજરાપોળ ગૌભક્તોના દાનની સરવાણીથી જ ચાલતા હતા. પરંતુ દાનની આવક ઘટતાં ગૌશાળામાં ગૌવંશ ઘાસચારાની મુશ્કેલી અનુભવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી ગૌશાળા સંચાલકો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ દાનની આવકમાં ઘટાડો છે.
સૂત્રોના કહેવા મુજબ દેશમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ગૌશાળા અને પાંજરાપોળ માટે કાયમી સહાયની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત ગૌશાળામાં રહેલા પશુધન ના આધારે પ્રતિ પશુ દૈનિક સહાય આપવામાં આવે છે. ગુજરાતના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો પણ સરકાર પાસે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ ગૌશાળામાં રહેતા ગૌધનને કાયમી સહાય આપે તે માટેની માંગ કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પથમેડા ગૌધામના મહંત દત્તશરણાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વાવના ટડાવ ખાતે ગૌભક્તોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મીટિંગમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ કાયમી સહાય આપે તે માટેની માંગ ઉગ્ર બની છે. આ માંગને લઇને આગામી સમયમાં દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ગુજરાત સરકાર ગૌશાળા અને પાંજરાપોળ અને કાયમી સહાય આપે તે માટેની માંગ મુકવામાં આવશે. ગૌભક્તોએ કાયમી સહાય મેળવવા માટે આગામી સમયમાં સરકાર માંગ ન સ્વીકારે તો ગૌશાળા અને પાંજરાપોળને તાળા મારી તેની ચાવી સરકારી અધિકારીઓને સોંપવામાં તેની ચીમકી પણ ઉચ્ચારી છે.