અમદાવાદઃ રાજ્યમાં તગડી ફી ઉઘરાવતા ખાનગી શાળાઓના સંચાલકો શિક્ષકોને પુરતો પગાર પણ આપતા નથી. અને ખાનગી શાળાઓના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. આથી ખાનગી શિક્ષક સંઘે હવે ખાનગી શાળાઓના શિક્ષકોના પ્રશ્ને સરકારના દ્વાર ખટખટાવ્યા છે. અને એવી રજુઆતો કરી છે કે, કોરોના કાળમાં ખાનગી શાળાઓએ શિક્ષકોના કાપી નાંખેલો પગાર પરત આપવો. રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોનો માસિક પગાર નક્કી કરવામાં આવે. ઉપરાંત ખાનગી શાળાના સંચાલકો શિક્ષકોને પગાર બેન્કમાં જમા કરાવે તેવી સુચના આપે,
ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘે વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકારને રજુઆત કરીને રાજ્યભરના સાત હજાર શિક્ષકોનો પગારનો પ્રશ્ન ઉકેલવાની માગ કરી છે. ગુજરાતમાં ખાનગી શાળાઓને આર્થિક ક્ષમતા ચકાસ્યા વિના સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી રહી છે. છેલ્લા દાયકામાં ખાનગી શાળાઓમાં ખૂબ વધારો થયો છે. ખાનગી શાળાઓના સંચાલકો વાલીઓ પાસેથી તગડી ફી લેવા છતાં શિક્ષકોને પુરતો પગાર આપતા નથી. ઉપરાંત કોરોનાકાળમાં ખાનગી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની ફી વાલીઓ પાસેથી વસુલી હતી. તેમ છતાં શિક્ષકોના પગારમાં 20થી 70 ટકા કપાત કરી હતી. આ ઉપરાંત આગામી તારીખ 13મી, જૂનથી શાળાઓ ખુલી જવાથી નવા શૈક્ષણિક સત્રમાં ફી વસુલવામાં આવશે. આથી કોરોના કાળમાં પગારમાં કરેલા 20થી 70 ટકા કાપની રકમ શિક્ષકોને પરત અપાવવા સરકારે સુચના આપવી જોઈએ.
ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘે એવી પણ રજુઆત કરી છે કે, ખાનગી શાળાઓને મંજુરી આપવાની સાથે સાથે રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો માટેનો માસિક પગાર નક્કી કરવો જોઈએ. અને તમામ શિક્ષકોનો પગાર સીધો બેન્કમાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, આ ઉપરાંત ખાનગી શાળાના શિક્ષકોને પણ પીએફનો લાભ આપવો જોઇએ ખાનગી શાળાના શિક્ષકો માટે આટલુ આયોજન કરાય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડશે. સારૂ શિક્ષણ લેવાથી દેશનું ભાવિ નોલેજવાળુ બનવાથી તેનો સીધો ફાયદો પરિવાર, સમાજ અને દેશને થશે.
ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાનગી શાળાના સંચાલકો ઓછી લાયકાતવાળા અને બિન અનુભવી શિક્ષકોને નોકરી રાખીને વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું ખરા અર્થમાં શિક્ષણ સુધરે તે માટે ઉપરોક્ત માંગણીની અમલવારી કરવી જોઈએ.