Site icon Revoi.in

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી હેઠળ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થયા બાદ જ સબસિડી ચુકવાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી હેઠળ સબસિડીની વહેંચણી માટેની ગાઇડલાઇન સરકારે જાહેર કરી છે. જે મુજબ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થાય ત્યારે સબસિડીની 80 ટકા રકમ ચૂકવાશે જ્યારે બાકીના 20 ટકા રકમ એક વર્ષ પછી ચૂકવવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા, નેશનલ- સ્ટેટ હાઇવે અને પ્રવાસન સ્થળો એમ ચાર કેટેગરીમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. તેમ રાજ્યના ઊર્જામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું.

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી હેઠળ સબસિડીની વહેંચણી માટેની ગાઇડલાઇન સરકારે જાહેર કરી છે. જે મુજબ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થાય ત્યારે સબસિડીની 80 ટકા રકમ ચૂકવાશે. કેટેગરી-1 હેઠળ 8 મહાનગરપાલિકામાં 91,  તથા 18 નગરપાલિકામાં 48,  તેમજ 15 હાઇવે પર 96 અને 8 પ્રવાસન સ્થળોએ 15 ચાર્જિંગ સ્ટેશનોને સબસિડી અપાશે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને પ્રવાસન સ્થળોના ચાર્જિંગ સ્ટેશનો ખાતે એક 50 કિલોવોટ કે તેથી વધુ ક્ષમતા સાથેની સીસીએસ યુરોપિયન અથવા જાપાનીઝ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ અને એક ભારત એસી 10 કિલોવોટનું ઇન્સ્ટોલેશન ફરજિયાત રહેશે. હાઇવે અને એક્સપ્રેસ વે પર દરેક સ્થાન પર પણ ફાસ્ટ ચાર્જર ઉપરાંત ભારત ડીસીનું 15 કિલોવોટનું ચાર્જર ફરજિયાત રહેશે. આ પોલિસી હેઠળ સ્ટાર્ટઅપ્સ સિવાયની તમામ સંસ્થાઓએ અરજી સબમિટ કરવા માટે 10 હજાર તેમજ 18 ટકા જીએસટી સાથે પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. અરજી કરનારાની નેટવર્થ કેટેગરી પ્રમાણે બે કરોડ સુધીની નિયત કરાઇ છે. સ્ટાર્ટઅપ્સને નેટવર્થ ધ્યાને લીધા સિવાય મંજૂરી અપાશે. સરકાર પ્રથમ 250 ચાર્જિંગ સ્ટેશનો માટે સ્ટેશન દીઠ 25 ટકા લેખે મહત્તમ 10 લાખ સુધીની સબસિડી ચૂકવશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ માટે લૉ કેપેસિટી ટુવ્હિલર ઉપર સબસિડી આપવાની નીતિ છે. આ યોજના વિદ્યાર્થી ઉપરાંત મહિલાઓ અને નાના ફેરિયાઓ માટે પણ ઉપયોગી થઇ હતી પરંતુ સરકારે એકાએક માર્ચ મહિનાથી આ સબસિડી આપવાનું બંધ કર્યું છે. સપ્ટેમ્બરથી શરૂ કરવાની જાહેરાત થઇ હતી પરંતુ તે ચાલુ થઇ નથી. જેથી આ યોજના પણ ફરી ઝડપથી શરૂ થાય તેવી માંગણી થઇ રહી છે.