Site icon Revoi.in

વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલી 1152 સગર્ભામાંથી 707ની સફળ પ્રસૂતિ

Social Share

અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાના બે દિવસ પહેલાથી જ તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ-1171  પૈકી 1152  સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં, પણ આમાંથી કુલ- 707  બહેનોની સફળ પ્રસૂતિ કરાવી હતી. વાવાઝાડા દરમિયાન 108ની સેવા મળી રહે તે માટેનું આયોજન કરાયું હતુ.

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અને તેમાં આવતી મહા નગરપાલિકાઓમાં સાવચેતીના પગલારૂપે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી સગર્ભા બહેનોની ઓળખ-યાદી તૈયાર કરીને તેમને તમામ સુવિધા સાથે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર અથવા સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને જે બહેનોની પ્રસૂતિની તારીખ નજીક હતી તેમની વિશેષ ચિંતા કરીને તેમના માટે તબીબો-દવાઓ સહીત તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ ૫૫૨, જયારે રાજકોટમાં 176, દેવભૂમિ દ્વારકામાં 135, ગીર સોમનાથમાં 94, જામનગરમાં 62, જૂનાગઢમાં 58, પોરબંદરમાં 33, રાજકોટ મહાનગરપાલિકા 26, જૂનાગઢ મનપામાં 8 તેમજ મોરબી અને જામનગર મનપામાંથી 4-4 એમ કુલ 1152  સગર્ભા બહેનોનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

આ સલામત સ્થળે સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 384, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મનપામાં 8, જામનગર મનપામાં 4 અને મોરબી જિલ્લામાં 01 એમ કુલ 707 બહેનોની હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ રાત-દિવસ સેવારત  હતી.