Site icon Revoi.in

ભુજ-અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો સફળ ટ્રાયલ રન

Social Share

ભૂજઃ   અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12.59 મિનિટે પહોંચી હતી અને બપોરે 13.40 મિનિટે પરત અમદાવાદ માટે રવાના થઈ હતી. 110ની સ્પીડ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનને નિર્ધારિત સફર પૂર્ણ કરતા 5 કલાકનો સમય લાગ્યો હતો. રેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટેક્નિકલ નિષ્ણાતોના રિપોર્ટ મુંબઇના ચર્ચગેટ સ્થિત રેલવેની વડી કચેરીએ મોકલાયા બાદ, રિપોર્ટના આધારે આગામી સમયમાં ટ્રેનનો ચોક્કસ સમય નક્કી કરાયા બાદ આ ટ્રેન દૈનિક ધોરણે દોડાવવામાં આવશે.  આ મેટ્રો ટ્રેન શરૂ કરાતા ભૂજથી અમદાવાદ 5 કલાકમાં પહોંચી શકાશે,

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-ભૂજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન પ્રતિ કલાક 110 કિમીની ઝડપે દોડાવાશે. હાલ બન્ને શહેરો વચ્ચે વંદે મેટ્રોનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. અમદાવાદના કાલુપરથી  વંદે મેટ્રો ટ્રેન સવારે 8 કલાકે ઉપડી હતી અને દરેક સ્ટેશનોએ 2 મિનિટ જ્યારે ગાંધીધામ 12 કલાકે પહોંચી 12 મિનિટ રોકાણ કર્યા બાદ 1 કલાકે ભુજ પહોંચી હતી અને ભુજથી 1.40 કલાકે પરત અમદાવાદ જવા ઉપડી હતી.12 કોચની વંદે મેટ્રો ટ્રેન 110 પ્રતિ કલાકની ગતિએ દોડી હતી જેથી ભુજ-અમદાવાદ વચ્ચેનું અંતર 5 કલાકમાં કાપ્યું હતું.બંને તરફે સફળ ટ્રાયલ રહ્યું હતું.

રેલવે દ્વારા વંદે ભારત ટ્રેનની સફળતા પછી નાના અંતરના શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરાયુ છે. મહાનગરોમાં મેટ્રો ટ્રેન દોડે તેમ બે શહેરો વચ્ચે વંદે મેટ્રો દોડાવવામાં આવશે. હાલમાં ક્યાંય ટ્રેન શરૂ થઈ નથી અગાઉ 3 ઓગસ્ટના દક્ષિણ રેલવેએ ચેન્નાઈમાં વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરી હતી જે બાદ પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત 8 સપ્ટેમ્બરના અમદાવાદના કાલુપુર સ્ટેશનથી ભુજ સુધી રેક દોડાવવામાં આવી હતી. વંદે .ટ્રેનમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા જેઓ દ્વારા આખો રિપોર્ટ તૈયાર કરી મુંબઈમાં ચર્ચગેટ સ્થિત વડીકચેરીએ મોકલવામાં આવશે જે બાદ ટ્રેન દોડાવવા માટે મંજૂરી મળી શકે.આ માત્ર ટ્રાયલ રન હતું જોકે કચ્છમાં વંદે મેટ્રો પ્રથમ વખત આવી હોવાથી લોકોમાં ખુશી ફેલાઈ હતી અને અલગ અલગ સ્થળોના ફોટા અને વિડિઓ સોશીયલ મીડિયામાં વાયરલ થતા કચ્છ ઉપરાંત કચ્છ બહાર વસતા કચ્છીઓ ઘણા ખુશ થયા હતા.આવનારા સમયમાં આ મેટ્રો કચ્છને મળવાની સંભાવના દ્રઢ માનવામાં આવે છે.