મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું નાસાનું રોવર,જીવનની શક્યતાઓ પર કરશે શોધ
- નાસાના રોવરે મંગળ પર કર્યું લેન્ડીંગ
- જીવનની સંભાવનાઓ પર કરશે શોધ
- પરસિવરેંસે મોકલી મંગળ ગ્રહની તસ્વીરો
અમેરિકી સ્પેસ એજન્સીના રોવર પરસિવરેંસે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું છે. પરસિવરેંસ રોવર ધરતી પરથી ટેકઓફ થયાના 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોંચ્યો છે. ભારતીય સમય મુજબ ગુરુવાર-શુક્રવારે રાત્રે 2.25 વાગ્યે રોવરે લાલ ગ્રહની સપાટી પર લેન્ડીંગ કર્યું હતું. રોવરની સફળ લેન્ડીંગને જોતા પ્રયોગશાળામાં પ્રોજેક્ટ પર કામ કરતા વૈજ્ઞાનિકોમાં આનંદ છવાયો હતો.
નાસાનું રોવર મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની શોધ કરશે. નાસાના કાર્યકારી પ્રમુખ સ્ટીવ જુર્સ્કીએ પરસિવરેંસના સફળ લેન્ડીંગ પર ખુશી વ્યક્ત કરી અને તેણે કહ્યું કે,આ આશ્ચર્યજનક છે. કોરોના કાળએ રોવરની મંગળ ગ્રહ પર લેન્ડીંગના કામને વધુ પડકારજનક બનાવ્યું હતું. પરસિવરેંસ ‘ભવિષ્યમાં રોવર મિશન માટે સ્કાઉટ’ તરીકે કામ કરશે.
નાસાના રોવર પરસિવરેંસે મંગળ પર ઉતરતાની સાથે જ પહેલો ફોટો મોકલ્યો. પરસિવરેંસે મંગળનો બીજો ફોટો પણ મોકલી દીધો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,લેન્ડીંગના કારણે કેમેરાના લેન્સ પર ધૂળ એકઠી થઈ ગઈ છે.
હાલમાં મંગળના ઉત્તરીય ભાગમાં મિથેન મળી આવ્યો છે,જે ખૂબ જ રસપ્રદ વિષય બની ગયો છે. કારણ કે તેમાં સજીવ ઉત્પન્ન થવાની સંભાવના છે. ઉપરાંત,અન્ય પાસાં પણ હોઈ શકે છે. પૃથ્વીના વાતાવરણમાં મિથેન ગેસ તરીકે જોવા મળે છે.પૃથ્વી પર 90 ટકાથી વધુ મિથેન જીવો અને વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે.
મંગળ ગ્રહના કિસ્સામાં ફેબ્રુઆરી મહિનો મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે યુએસ,ચીન અને સંયુક્ત અરબ અમીરાતના અભિયાન જુદા જુદા તબક્કામાં છે. વૈજ્ઞાનિકો માને છે કે, કરોડો વર્ષ પહેલાં લાલ ગ્રહ પર જીવનના અસ્તિત્વ વિશે ત્યાં કેટલાક સંકેતો સંરક્ષિત થશે. આઠ દેશોએ મંગળ પર તેમના અભિયાનો મોકલ્યા છે.
-દેવાંશી