Site icon Revoi.in

હનુમાનજીના આવા દર્શન તો વિશ્વમાં ક્યાંય નથી થતા

Social Share

ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજીના દર્શન તો દરેક જગ્યા થાય, કોઈ પણ મંદિરમાં જાવ એટલે અજર-અમર હનુમાનજીના દર્શન તો થાય જ. પણ સુરતમાં એક હનુમાનજીનું મંદિર આવ્યું છે જ્યાં અલગ જ પ્રકારે હનુમાનજીના દર્શન થાય છે. વાત છે સુરતના કડોદરામાં વિદ્યમાન‘અકરામુખી’ હનુમાનજીની. સામાન્ય રીતે મંદિરોમાં જે હનુમાન પ્રતિમાના દર્શન થતાં હોય છે તેને એક જ મુખ હોય છે. તો વળી, કોઈ કોઈ જગ્યાએ મંદિરોમાં પંચમુખી હનુમાનજી પણ વિદ્યમાન હોય છે. પણ, ‘અકરામુખી’ હનુમાનજી એટલે તો એવાં હનુમાનજી કે જેમને તો છે અગિયાર-અગિયાર મુખ!

કહેવામાં આવે છે દશાનન રાવણનું અભિમાન તોડવા હનુમાનજીએ અગિયાર મુખ ધારણ કર્યા હતાં. જેને જોઈ રાવણનો અહંકાર ઓગળી ગયો. માન્યતા અનુસાર એ જ અગિયાર મુખે પવનપુત્ર અહીં દર્શન આપી રહ્યા છે. શ્રદ્ધાળુઓને મન હનુમાનજીનું આ રૂપ તો અગિયારગણા ફળની પ્રાપ્તિ કરાવનારું છે !

ભારતનું તો ભાગ્યે જ કોઈ ગામ કે શહેર એવું હશે કે જ્યાં હનુમાનજીની દિવ્ય પ્રતિમાનું સ્થાપન ન થયું હોય. સુરત શહેરથી લગભગ 22 કિલોમીટરના અંતરે કડોદરા હાઈવે પર અકરામુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. તે અકળામુખીના નામે પણ ઓળખાય છે. જેમાં વિશ્વની સૌથી અનોખી હનુમાન પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. આ વિશ્વના એકમાત્ર એવાં હનુમાનજી છે કે જેમને છે પૂરાં અગિયાર મુખ !

આ જ વિશેષતાને લીધે તો ‘અકળામુખી’ હનુમાનજી લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યા છે.મરાઠીમાં અગિયારને ‘અકરા’ કહે છે. 11 મુખને લીધે જ પ્રભુ પહેલાં અકરામુખી અને ત્યારબાદ અકળામુખીના નામે પ્રસિદ્ધ થયા. પવનસુતનું આ રૂપ નકારાત્મક્તાને પૂર્ણપણે દૂર કરી પ્રસન્નતાની અનુભૂતિ કરાવનારું મનાય છે. શ્રદ્ધાળુઓનું માનીએ તો પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન બાદ કંઈક એવી અનુભૂતિ થાય છે કે જેને શબ્દોમાં અભિવ્યક્ત કરવું જ અશક્ય છે.