અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી વિભાગના એમ. એ.ના વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર્સ અને પીએચ. ડી.ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં યજમાન સંસ્થાના અધ્યક્ષ ડૉ. કાંતિલાલ માલસતરે કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને સાથે જ ગુજરાતી વિભાગના અધ્યાપકો ચીમનભાઈ પટેલ, આનંદ વસાવા પણ ઉપસ્થિત હતા અને અન્ય વિભાગના પ્રીતિ મૈયાણી અને હેતલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી ડૉ. સમીર ભટ્ટે નાટકના સ્વરૂપ વિશે વાત કરી હતી. તેઓએ ‘કેમ, મકનજી ક્યાં ચાલ્યા’ અને ‘માલવિકાગ્નિમિત્ર’ જેવા નાટકોનો તાર ‘શર્વિલક’ નાટક સાથે જોડી આપ્યો હતો. જ્યારે ગુુુુજરાતી સાહિત્ય પરિષદના પ્રસારમંત્રી ધ્વનિલ પારેખે ગુજરાતી સાહિત્ય પરિષદની કામગીરી અને વિવિધ પ્રવૃત્તિની વિગતે વાત કરી હતી. પરિષદ દ્વારા યોજાતી વ્યાખ્યાનમાળા, પ્રકાશન-પ્રવૃત્તિ, પરિસંવાદ, શિબિર, અધિવેશન અને જ્ઞાનસત્ર વગેરેની વાત સાથે તેમણે પરિષદના નવા ઉપક્રમ – ‘આપણો કવિતા વારસો’ની પણ વાત કરી. તેઓએ શ્રી અદિતિ દેસાઈનો પરિચય આપ્યો હતો. અદિતિ દેસાઈએ ‘શર્વિલક’, ‘અકૂપાર’, ‘કસ્તુરબા’, ‘એક સૂરજ અમારી ભીતર’ વગેરે નાટકોમાં અભિનય કર્યો છે.
શ્રી અદિતિ દેસાઈ ઈ.સ. 1974માં પ્રથમવાર ‘શર્વિલક’ નાટકમાં અભિનય કરે છે. જેને દિલ્હીનું પારિતોષિક મળે છે. શ્રી અદિતિ દેસાઈએ કહ્યું કે ‘શર્વિલક’ નાટક એટલા માટે પસંદ કર્યું કે આ નાટક આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આ નાટક પાંચ અંકનું છે અને શર્વિલકના રાજ્યમાં રાજપરિવર્તનની વાત છે. આમાં શર્વિલક અને ભરતરોહતકની પરસ્પર વિરોધી માન્યતાઓની વાત છે. નાટકમાં ઉજ્જૈન આસપાસનો વિસ્તાર છે. તેમજ ચારુદત્ત-વસંતસેના અને શર્વિલક-મદનિકાની પ્રણયગાથા પણ જોવા મળે છે. નાટકનું કથનકેન્દ્ર શર્વિલકની રાજક્રાન્તિ કરવાની ઇચ્છાશક્તિ છે. આ બધી વાત સાથે તેમણે પોતે આ નાટક જ્યારે ભજવ્યું હતું, તેની સ્મૃતિઓને પણ વાગોળી હતી. તેમના પિતાજી નાટકને તખ્તા પર કેવી રીતે લઈ આવ્યા – એ વાત પણ તેમણે ટૂંકમાં કરી હતી. અદિતિ દેસાઈએ પોતાની દિકરી આરજે દેવકી અભિનિત ‘પત્રમિત્રો’ પર પણ વાત કરી અને પોતાની નાટક મુસાફરીની વાત પણ જણાવી.
(ફોટો : ભાષાભવનના સૌજન્યથી)