સુરત: દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1લી એપ્રિલથી શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરાયા છે. જે ભાવ અપુરતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો પોષણક્ષમ ભાવ આપતી નથી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની તમામ સુગરમિલોએ ગત તારીખ 1 એપ્રિલના રોજ વર્ષ 2023-24 માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે તો બીજી તરફ માથે ચૂંટણી પણ છે. જેથી ખેડૂતોને 3800 રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી. જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 150થી 200 રૂપિયાનો વધારો આપ્યો છે, પરંતુ આટલો વધારો ખેડૂતોને પોસાય તેવો નથી એવું ખેડૂતો કહી રહ્યા છે. ગુરૂવારે માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા અને મામલદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદ્દે ફેર વિચારણા કરે તેવી માગ કરી હતી. સાથે જ સહકારી મંડળીમાં આવેલ મેન્ડેટ પ્રથાને લઇને પણ ચિંતાઓ વ્યક્ત કરી હતી
હાલમાં દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે જે ભાવ પોષણક્ષમ નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાનોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં વિવિધ સુગરો દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે. જેના પર નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા હાલમાં બારડોલી 3524, મઢી 3225, ગણદેવી 3605, ચલથાણ 3206, સાયણ 3356, કામરેજ 3351, મહુવા 3233 અને પંડવાઈ 3101 રૂ. ટન દીઠ ભાવ પાડ્યો હતો.