દિલ્હીઃ- દેશભરમાં કેટલીક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે અગાઉ ટામેટા 200 રુપિયે પ્રતિ કિલો વેચાતા થયા હતા ત્યાર બાદ મરી મસાલાના ભાવ આસમાને પહોચ્યા તો વળી ડુંગળીના ભાવ પણ વઘતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે હવે ખાંડના ભાવ પણ છેલ્લા 6 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચેલા જોવા મળ્યા છે.
માહિતી અનુસાર હવે મીઠાઈની મીઠાશ પણ કડવી બની શકે છે. દેશમાં ખાંડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સ્થાનિક ખાંડના ભાવ હાલમાં 3 ટકા વધીને છ વર્ષની ટોચે જોવા મળે છે. બજારના મતે ખાંડનું ઉત્પાદન ઓછું થવાની ભીતિને કારણે ભાવ આટલો વધી ગયો છે.
હજી પણ નવી સિઝનમાં ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદન 3.3 ટકા ઘટીને 31.7 મિલિયન ટન થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં ખાંડની એક્સ-મિલ કિંમત 05 સપ્ટેમ્બર, 2023ના રોજ વધીને 3,630-3,670 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, જે 1 ઓગસ્ટ, 2023ના રોજ 3,520-3,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.
દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ઓછો વરસાદ થયો છે. જેના કારણે દેશભરમાં શેરડીના ઉત્પાદનની અછતને લઈને આશંકા ઉભી થઈ છે. બજારની વાત કરીએ તો, બજારને અપેક્ષા છે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન ઘટી શકે છે.
છેલ્લા 15 દિવસમાં જ ખાંડના ભાવમાં ત્રણ ટકાનો વધારો થયો છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે શેરડી પકવતા વિસ્તારોમાં વરસાદના અભાવે ભાવમાં વધારો થયો છે, જ્યારે મીઠાઈનો વપરાશ અનેકગણો વધી જાય છે. તે ખાદ્ય ફુગાવો વધારી શકે છે અને સરકારોને ખાંડની નિકાસને મંજૂરી આપવાથી નિરુત્સાહિત કરી શકે છે, જે વૈશ્વિક ભાવને સમર્થન આપશે જે એક દાયકા કરતાં વધુ સમયના ઉચ્ચતમ સ્તરની નજીક છે.