અમદાવાદઃ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોના તહેવારો સુધારવા રાજ્ય સરકારે આવકારદાયક નિર્ણય કર્યો છે અને રેશનકાર્ડ ધારકોને વધારાની ખાંડ અને સિંગતેલ ઓછા ભાવે વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે એક લિટર સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ ઘઉં 2 કિ.ગ્રા., ચોખા 2 કિ.ગ્રા. તથા બાજરી 1 કિ.ગ્રા. વિનામૂલ્યે તથા અંત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિ.ગ્રા., ચોખા 15 કિ.ગ્રા. તથા બાજરી 5 કિ.ગ્રા. એમ કુલ 35 કિ.ગ્રા. વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે એક (1) લિ. સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.
જ્યારે તહેવાર નિમિત્તે એએવાય કુટુંબોને ખાંડ 1 કિ.ગ્રા. 15 રૂ. તથા બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. ખાંડ 22 રૂપિયામાં વિતરણ કરાશે. આ ઉપરાંત અંત્યોદય રાશનકાર્ડ ધરાવતા કુટુંબો, અગ્રતા ધરાવતા કુટુંબો તથા બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ સિંગતેલ એક લિટર રૂ.100, ચણા 1 કિલો રૂ.30, તુવેરદાળ 1 કિ.ગ્રા. રૂ.50 તથા ડબલ ફોર્ટિફાઇડ મીઠું 1 કિલોગ્રામ માત્ર 1 રૂપિયામાં વિતરણ કરવામાં આવશે. (File photo)