સુખબીર સંધૂ-જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર, પેનલમાં સામેલ અધીર રંજને ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ સુખબીર સંધૂ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે બપોરે મીડિયાને આ જાણકારી આપી. મહત્વપૂર્ણ છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સંબંધિત સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સદસ્ય અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે સમિતિની સમક્ષ 6 નામ મૂકવામાં આવ્યા હતા, તેમાંથી આ બે નામ પર મંજૂરીની મ્હોર લગાવવામાં આવી. ચૌધરીએ કહ્યુ છે કે પસંદગી સમિતિએ 6 નામ પ્રસ્તુત કર્યા હતા. તેમા ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈંદીવર પાંડે, સુખબીરસિંહ સંધુ અને ગંગાધર રાહતના નામ સામેલ હતા. જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુની પસંદગી ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી છે. એકવાર નિયુક્તિઓ નોટિફાઈડ થઈ જાય, પછી નવા કાયદા હેઠળ થનારી આ પહેલી નિયુક્તિઓ હશે.
બેઠકમાં વડાપ્રધાન અને અધીર રંજન ચૌધરી સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સામેલ થયા. કોંગ્રેસના નેતાએ પસંદગી સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશના સ્થાને એક કેન્દ્રીય મંત્રીને સામેલ કરનારા કાયદાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યુ છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશને આ સમિતિમાં હોવું જોઈતું હતું. તેમણે કહ્યુ છે કે ગત વર્ષ લાવવામાં આવેલા કાયદાએ બેઠકને માત્ર એક ઔપચારીકતા સુધી મર્યાદીત કરી દીધી છે. પેનલમાં સરકાર બહુમતીમાં છે. તે જે ચાહે છે, તે થાય છે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે તેમણે ગઈકાલ રાત્રે તપાસ માટે 212 નામ આપ્યા હતા. તેમણે કહ્યુ છે કે હું ગઈકાલ રાત્રે દિલ્હી પહોંચ્યો ને બેઠક આજે બપોરે હતી. મને 212 નામ આપવામાં આવ્યા હતા. કોઈ એક દિવસમાં આટલા બધાં ઉમેદવારોની ચકાસણી કેવી રીતે કરી શકે છે? પછી મને બેઠક પહેલા 6 શોર્ટલિસ્ટ કરાયેલા નામ આપવામાં આવ્યા. બહુમતી તેમની સાથે છે, માટે તેમણે તે ઉમેદવારોને પસંદ કર્યા કે જે તેઓ ચાહતા હતા.
આના પહેલા દિવસમાં ચૂંટણી પંચના બે નવા ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પહેલા 15 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાવાની હતી. ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેયની ગત મહીને સેવાનિવૃત્તિ અને અરુણ ગોયલે શુક્રવારે અચાનક રાજીનામું આપ્યું હતું, તેને કારણે ચૂંટણી કમિશનરોના બે પદ ખાલી પડયા હતા. હવે એસએસ સંધૂ અને જ્ઞાનેશ કુમારની ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીના કાર્યક્રમની સંભવિત ઘોષણાથી કેટલાક દિવસ પહેલા અરુણ ગોયલે શુક્રવારે ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો અને કાયદા મંત્રાલયે એક જાહેરનામું જાહેર કરીને તેની ઘોષણા કરી. તેનાથી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ચૂંટણી પંચમાં એકમાત્ર સદસ્ય રહી ગયા હતા.
આના પહેલા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલની અધ્યક્ષતામાં રચાયેલી સર્ચ કમિટીએ આ ખાલી જગ્યા ભરવા માટે બુધવારે 6 ઉમેદવારોની યાદી તૈયાર કરી હતી. કાયદાકો ત્રણ સદસ્યીય પસંદગી સમિતિને એવા વ્યક્તિની નિયુક્તિ કરવાની શક્તિ પણ આપે છે, જેને પસંદગી સમિતિએ શોર્ટલિસ્ટ કર્યા નથી.