યુપીની સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસને સૌથી વધુ સાત વખત જીત મળી છે. જ્યારે ભાજપના ઉમેદવારને 5 વખત જીત પ્રાપ્ત થઈ છે. લોકસભાની આ બેઠક પરથી મેનકા ગાંધી અને વરુણ ગાંધી પણ જીત્યા છે. પરંતુ સતત પાંચ વખત જીતનો રેકોર્ડ કોંગ્રેસના નામે છે.
કઈ પાર્ટીના ક્યાં ઉમેદવાર-
સુલ્તાનપુર બેઠક પથી મેનકા ગાંધી સાંસદ છે. જો કે હજી સુધી ભાજપે ઉમેદવારની ઘોષણા કરી નથી. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધને પણ પોતાના ઉમેદવાર જાહેરકર્યા નથી. ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામેલ છે. જ્યારે એનડીએમાં ભાજપ, અપનાદળ, નિષાદ પાર્ટી, આરએલડી અને એસબીએસપી સામેલ છે.
2019માં મેનકા ગાંધીને મળી હતી જીત –
2019માં લોકસભાની ચૂંટણીમાં મેનકા ગાંધીને જીત મળી હતી. ભાજપના મેનકા ગાંધીએ સુલ્તાનપુર બેઠક પરથી બીએસપીના ઉમેદવાર ચંદ્રભદ્ર સિંહને મ્હાત આપી હતી. મેનકા ગાંધીને 4 લાખ 59 હજાર 196 વોટ મળ્યા હતા. જ્યારે બીએસપીને 4 લાખ 44 હજાર 670 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સંજય સિંહને 41 હજાર 681 વોટ મળ્યા હતા.
સુલ્તાનપુર બેઠકનો ઈતિહાસ-
સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસને 8 વખત જીત મળી છે. જ્યારે ભાજપને 5 વખત જીત મળી છે. બીએસપીને 2 વખત અને જનતાદળને એક વખત જીત પ્રાપ્ત થઈ છે. આ બેઠક પર પહેલીવાર 1951-52માં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બીવી કેસકરને જીત મળી હતી. 1957મં કોંગ્રેસના ગોવિંદ માલવીય, 1963માં કોંગ્રેસના કુંવર કૃષ્ણ વર્મા, 1967માં ગણપત સહાય અને 1971માં કોંગ્રેસના કેદારનાથસિંહને જીત મળી હતી.
1977માં જનતા પાર્ટીના ઝુલ્ફિકારુલ્લા, 1980માં કોંગ્રેસના ગિરિરાજ સિંહ અને 1984માં કોંગ્રેસના રાજકરણ સિંહનેજીત મળી હતી. 1989માં જનતાદળના રામસિંહ, 1991માં ભાજપના વિશ્વનાથદાસ શાસ્ત્રીને જીત મળી હતી.ત્યાર બાદ 1996માં ભાજપના દેવેન્દ્ર બહાદૂર રાય, 1998માં પણ દેવેન્દ્ર બહાદૂર રાયને અહીંથી જીત મળી હતી.
1996થી 1998ની ચૂંટણીઓમાં સતત ત્રણ જીત બાદ 1999માં ભાજપને આ બેઠક પરથી હાર મળી હતી. બીએસપીના ઉમેદવાર જયભદ્ર સિંહને 1999માં અહીં જીત મળી હતી. 2004માં બીએસપીના તાહિરખાન અને 2009માં કોંગ્રેસના સંજયસિંહને જીત મળી હતી.
2014માં પહેલીવાર વરુણ ગાંધીને ભાજપે સુલ્તાનપુરથી ઉમેદવાર બનાવ્યા અને તેમણે બીએસપીના પવન પાંડને મોટી સરસાઈથી હરાવી જીત મેળવી હતી. જ્યારે 2019માં ભાજપે વરુણ ગાંધીના સ્થાને તેમના માતા મેનકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા અને અહીં ભાજપની ફરીથી જીત થઈ હતી
5 વિધાનસભા બેઠકોનું ગણિત –
સુલ્તાનપુર લોકસભા બેઠક હેઠળ 5 વિધાનસભા મતક્ષેત્ર આવે છે. તેમાં ઈસૌલી, સુલ્તાનપુર, સુલ્તાનપુર સદર, લભ્ભુઆ અને કાદીપુર સામેલ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક પર જીત મેળવી હતી. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ તાહિર ખાને ઈસૌલીથી ચૂંટણી જીતી હતી. જ્યારે સુલ્તાનપુરથી વિનોદસિંહ, સુલ્તાનપુર સદરથી રાજ પ્રસાદ ઉપાધ્યાય, લભ્ભુઆથી સીતારામ વર્મા અને કાદીપુરથી રાજેશ ગૌતમ ધારાસભ્ય બન્યા.
સુલ્તાનપુર બેઠકનું જાતિ સમીકરણ-
સુલ્તાનપુર લોકસભા બેઠક પર 80 ટકા હિંદુ છે અને 20 ટકા મુસ્લિમ વોટર્સ છે. લોકસભા બેઠક પર અનુસૂચિત જાતિની વસ્તી 21.29 ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી 0.02 ટકા છે. આ બેઠક પર મુસ્લિમ, રાજપૂત, અને બ્રાહ્મણ વોટર્સની સંખ્યા પણ ઘણી મોટી છે. આ વોટર્સ આ બેઠક પર હારજીતના સમીકરણ બનાવે છે.