ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, અમદાવાદમાં યલો એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના નગરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હિટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ બપોરના સમયે કામ વગર ઘરની બહાર ના નિકળવાની પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતી હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારમાં હિટવેવ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં કચ્છ. પોરબંદર, રાજકોટ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા. પાટણ, ગાંધીનગર અને અમદાવાદ હિટવેવની અસર રહેશે. અમદાવાદમાં 3 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. 3 દિવસ બાદ બે ડિગ્રી તાપમાન ઘટતા ગરમીમાં આંશિક રાહત મળશે. હજુ રાજ્યમાં બે દિવસ ગરમી યથાવત રહેવા અને હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતા લોકો પંખા અને એ.સીની સામે બેસવાનું પસંદ કરી રહ્યાં છે. તેમજ કોઈ કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યાં છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની શકયતા છે.