Site icon Revoi.in

અમદાવાદમાં ઉનાળો વધુ આકરો બન્યો, હીટવેવને પગલે 3 દિવસ યલો એલર્ટની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનવાની શકયતા છે. તેમજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હીટવેવની આગાહીને પગલે કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમ પવનોની અસરથી રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસા જેવાં 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હીટવેવને પગલે અમદાવાદ કોર્પોરેશને રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 42 ડિગ્રીને પાર થયું હતું.

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થતી હોવાથી લોકો કામ વગર ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળે છે. તેમજ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે એસી અને પંખાની સામે બેસવાનું વધારે પસંદ કરે છે.