પાલનપુરઃ બનાસકાંઠામાં દર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં આ વખતે સિંચાઈથી લઈને પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બની હતી. ખેડુતોને પાણી માટે જળ આંદોલન કરવાની પણ ફરજ પડી હતી.છતાં ખેડુતોને સિંચાઇનું પાણી ન મળતાં ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રણની કાંધીએ આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. જો કે જિલ્લાના પાલનપુર અને વડગામ પંથકમાં પાણીના તળ ખુબજ ઊંડા જતા સિંચાઇના પાણી સાથે સાથે પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઉભી થઇ છે. જિલ્લામાં સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી ખેડૂતોએ પાણી માટે મોટું જળ આંદોલન પણ કર્યું હતું. પરંતુ તંત્ર કે સરકાર દ્વારા ખેડૂતો માટે સિંચાઈના પાણીની કોઇ વ્યવસ્થા ન કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાલનપુર પંથકમાં પહેલાથી પાણીની ભારે તંગી હોવાના કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાના અડધા જ ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકોનું વાવેતર કર્યું હતું. જોકે તે પાકોને પણ પૂરતું પાણી ન મળતાં બાજરી સહિતના અનેક પાકો સુકાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે તો બીજું બાજુ પાક સુકાઈ જતાં ખેતરોમાં ભાગથી ખેતી કરતા ખેત મજૂરોની હાલત ખુબજ દયનિય બની છે અને તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. પાણી વગર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
પાલનપુર અને વડગામ પંથકમાં પાણીના તળ ખુબ જ નીચા જવાથી ખેડૂતો વર્ષોથી પાણીની માંગ કરી રહ્યા છે. જળ આંદોલન કરી રહ્યા છે. જો કે પાણીની સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા હવે આ વિસ્તારના ખેડૂતો પોતાની અડધી જમીનમાં જ ખેતી કરી રહ્યા છે છતાં પણ પાણી વગર તેમના પાક સુકાઈ જતા તેમના મોંઘભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળી શકતો ન હોવાથી હવે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે.