રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગત વર્ષે સારા ચોમાસાને લીધે ખરીફ પાક, ત્યારબાદ રવિપાક અને પિયતની જે વિસ્તારોમાં સુવિધા હતી અને બોર-કૂવામાં પાણી હતા તેવા વિસ્તારોમાં ઉનાળું પાકનું ઉત્પાદન પણ સારૂ એવું થયું છે. આ વર્ષે એકંદરે તમામ કૃષિ પાકના ભાવ ખેડુતોને સારા મળ્યા છે. રાજકોટ જિલ્લામાં ઉનાળું તલનું ઉત્પાદન સારૂએવું થયું છે. તેથી રાજકોટના બેડી યાર્ડમાં તલની ધૂમ આવક થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઉનાળુ તલની એક જ દિવસમાં 5,00,000 કિલોની આવક થઇ હતી જે ચાલુ સિઝનની સર્વાધિક આવક મનાય છે. માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે ખુલતી બજારે ઉનાળુ તલમાં પાંચ લાખ કિલોની આવક સામે ગુણવતા અનુસાર પ્રતિ 20 કિલોનો સરેરાશ ભાવ રૂ.1800થી 1970 સુધી રહ્યો હતો. યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની આવક લગાતાર વધી રહી છે જેની સામે લેવાલી પણ સારી છે. ચોમાસા પહેલા ખેડૂતો માલનો નિકાલ કરવાના મૂડમાં હોય આગામી દિવસોમાં તલની આવક હજુ વધશે અને કોરિયન ટેન્ડરના કારણે માંગ પણ સારી હોય આગામી દિવસોમાં તલના ભાવ હજુ વધે તેવી પણ શકયતા છે. યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ વધુ ઉપજતા હોય ખેડૂતો રાજકોટ યાર્ડમાં જ માલ વેંચવાના આગ્રહી બન્યા છે. રાજકોટ જ નહીં ઝાલાવાડ પંથકમાંથી પણ ખેડુતો તલ વેચવા માટે આવી રહ્યા છે.