ગુજરાતમાં માર્ચ મહિનાના આરંભ સાથે જ ઉનાળાની થશે શરૂઆત, તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે
અમદાવાદઃ હાલ ગુજરાતમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે અને માર્ચના આરંભ સાથે જ ઉનાળાનો પ્રારંભ થશે. એટલું જ માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.
ગુજરાતમાં હાલ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. સવારના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમી પડે છે. આ ડબલ ઋતુને કારણે અનેક લોકો સામાન્ય બીમાર પણ પડી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર, ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે અને માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે.