અમદાવાદઃ રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં કાલે તા. 13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શાળાઓ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠશે. વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો સજ્જ બની ગયા છે. જ્યારે કોલેજો-યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો બુધવારથી પ્રારંભ થશે.
ગુજરાતમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું ઉનાળુ વેકેશન ગત તા. 9 મેથી પડ્યું હતું. વેકેશનના 35 દિવસ પૂર્ણ થતા કાલે તા.13મીને સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓ ફરી રાબેતા મુજબ શરુ થઇ જશે. નવું શૈક્ષણિક સત્ર થવાને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય શાળા સંચાલકો દ્વારા શાળાઓના વર્ગ ખંડોની સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે તેની સાથોસાથ વિદ્યાર્થીઓ દ્વારા પણ પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગો સહિતની ખરીદી પણ લગભગ પૂર્ણ કરી દીધી છે. સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠશે.
ગુજરાતમાં તમામ શાળાઓમાં ઉનાળાનું વેકેશન જાહેર થતાં ઘણાબધા વાલીઓ બાળકો સાથે પ્રાવાસે ગયા હતા. હવે ઉનાળાનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે. અને સોમવારથી શાળાઓ શરૂ થઈ જશે ત્યારે તમામ વાલીઓ બાળકો સાથે પ્રવાસેથી પરત આવી ગયા છે. સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે તેમના સહઅધ્યાયીઓ સાથે વેકેશન દરમિયાન કરેલી પ્રવૃતિઓ વાગોળશે. જ્યારે બીજી તરફ શાળાઓ શરુ થતાં જ નાના ભૂલકાઓના વાલીઓ પણ બાળકોને શાળા ઉપર લેવા-મૂકવાની જવાબદારીમાં ગુંથાઈ જશે અને સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસોની ઘરેરાટી પણ સોમવારથી શરુ થઇ જશે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વેકેશન દરમિયાન કોરોના વાઇરસની મહામારી નામશેષ થતાં બાળકોએ ઉનાળુ વેકેશન મનભરીને માણ્યું હતું તેમજ અનેક બાળકો પરિવાર સાથે વેકેશન દરમિયાન અનેક પર્યટન સ્થળોએ સહેલગાહે ઉપડી ગયા હતા. વેકેશન દરમિયાન બાળકોએ કરેલી પ્રવૃતિ નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ તેમના વર્ગખંડોમાં સહઅધ્યાયીઓ અને વર્ગ શિક્ષકો સાથે વાગોળશે. બીજી તરફ યુનિવર્સિટી-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આગામી બુધવારથી પ્રારંભ થશે.