ઉનાળુ વેકેશન-લગ્નગાળો S.T.નિગમને ફળ્યોઃ એક મહિનામાં એડવાન્સ બુકિંગથી કરોડોની આવક
અમદાવાદઃ ગુજરાતમાં હાલ શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને લગ્નસિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોના બાદ હવે જનજીવન રાબેતા મુજબ થયું છે. જેથી એસ.ટી.નિગમમાં પ્રવાસીઓ વધવાની સાથે આવકમાં પણ વધારો થયો છે. તા. 1લી મેના રોજ એક દિવસમાં 65 હજારથી વધારે સીટોનું બુકિંગ થયું હતી જેથી એસટીને રૂ. 1.33 કરોડની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ મહિનામાં 17 લાખથી વધારે પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું હતું. જેથી નિગમને 34 કરોડથી વધારે આવક થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસટી નિગમમાં એપ્રિલ મહિનામાં થયેલી બુકીંગ પૈકી 87 હજાર જેટલા પ્રવાસીઓએ ટીકીટ કેન્સલ કરાવી હતી. જેથી એસટી દ્વારા પ્રવાસીઓને 1.65 કરોડ રિફન્ડ કર્યાં હતા. એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયાથી એડવાન્સ બુકિંગમાં વધારો થયો હતો. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા હવે જયારે કોરોનાની ઓછી અસર થતા લોકો હવે ડર રાખ્યા વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. લગ્નગાળો, ઉનાળાનું વેકેશન અને ઈંધણના ભાવમાં થયેલા વધારાને લોકો ખાનગી વાહનની જગ્યાએ સરકારી પરિવહન સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી એસટીમાં પ્રવાસીઓના વધારાની સાથે આવકમાં પણ વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને સારી સુવિધાઓ મળી રહે તે માટે નિગમ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ તહેવારો અને મેળામાં વધારાની બસો દોડાવવામાં આવે છે. એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં 50 જેટલી ઈ-બસ દોડાવવામાં આવશે.