રાજકોટઃ ઉનાળાના વેકેશનને લીધે એસટીના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ધાર્મિક સ્થળો અને પર્યટક સ્થળોના રૂટની એસટી બસો હાઉસફુલ જોવા મળી રહી છે. પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય પણ એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ઘણાબધા રૂટ્સ પર એસટી બસો હાઉસફુલ દોડી રહી હોવાથી એસટી નિગમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં તમામ સ્કૂલ-કોલેજોમાં હાલ વેકેશન છે, જેને લઈ ગામડે અને ફરવા જનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વેકેશનમાં વધુ પડતા લોકો એસટી બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતાં હોવાથી એસટી વિભાગને વેકેશન ફળ્યું છે. વેકેશનનાં કારણે વોલ્વો અને ઈલેક્ટ્રિક એસ.ટી. બસોમાં બુકિંગ ફુલ થયા છે. રેગ્યુલર બસોમાં પણ મુસાફરોનો ધસારો વધ્યો છે. રાજકોટ એસટી વિભાગની રોજની આવક રૂ. 60 લાખ આસપાસ રહેતી હતી, તે હવે રૂ. 70 લાખને પાર થઈ છે. આ અંગે એસટીનાં ડિવિઝનલ ટ્રાફિક મેનેજર કહેવા મુજબ, વેકેશનને કારણે ગત 1 તારીખથી જ વધારાની બસો જુદા-જુદા રૂટ પર દોડાવવાનું શરૂ કરાયું છે. જેને મુસાફરો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી એસટીનાં રાજકોટ વિભાગની આવક પ્રતિદિન રૂ. 60 લાખ હતી, પરંતુ હાલ વેકેશનનાં દિવસો હોવાને કારણે આવક વધીને દરરોજ રૂ. 70 લાખ થઈ રહી છે. એટલે કે, રોજની રૂ. 10 લાખની આવક વધી છે. જેને કારણે ચૂંટણી પૂર્ણ થયાનાં માત્ર પંદરેક દિવસમાં જ કુલ આવક રૂ. 10.34 કરોડ થઈ ચૂકી છે.
રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હબ ગણાય છે, જેના કારણે તમામ રૂટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને મોટાભાગની બસોમાં 100 ટકા રિઝર્વેશન થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક બસો રાજકોટથી જૂનાગઢ, મોરબી, જામનગર અને હીરાસર એરપોર્ટ સુધી પણ દોડાવવામાં આવી રહી છે. જેને પણ મુસાફરોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો જેવા કે, સોમનાથ, દ્વારકા સહિતના સ્થળે સારો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ અને ભાવનગર જેવા સ્થળે જવા માટે પણ લોકો એસટીની વોલ્વો સહિતની બસોનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ ગરમીમાં વધારો થતાં વોલ્વો બસોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.