Site icon Revoi.in

ઉનાળો આકરો રહેશેઃ દેશમાં સામાન્ય કરતાં વધારે ગરમ ઉનાળો રહેવાની શક્યતા

Social Share

નવી દિલ્હીઃ કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આવી રહેલો ઉનાળો અને શમનનાં પગલાં માટેની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના સચિવો તથા ગરમીની સ્થિતિનું જોખમ ધરાવતાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ વૈશ્વિક હવામાનની ઘટનાઓ અને માર્ચથી મે, 2023 સુધીના સમયગાળા માટે તાપમાનના દૃષ્ટિકોણ પર એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. માર્ચ 2023ના બીજા પખવાડિયા માટેની આગાહી પણ આપવામાં આવી હતી. માર્ચથી મે 2023ના સમયગાળા માટે તેના તાપમાનના અંદાજમાં, આઇએમડીએ માહિતી આપી હતી કે ઉત્તર-પૂર્વ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ મહત્તમ તાપમાનની સંભાવના છે. આઇએમડીએ એ પણ માહિતી આપી હતી કે દક્ષિણ દ્વીપકલ્પ ભારત સિવાય, જ્યાં સામાન્યથી નીચે તાપમાનની સંભાવના છે, દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. આઇએમડીએ વધુમાં માહિતી આપી હતી કે માર્ચ 2023ના બાકીના ભાગ દરમિયાન કોઈ નોંધપાત્ર ગરમીનાં મોજાની અપેક્ષા નથી. જો કે, માર્ચનાં છેલ્લાં અઠવાડિયા દરમિયાન ઇન્ડો-ગંગાનાં મેદાનો અને પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 2-3 ડિગ્રી સે. વધુ રહી શકે છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવે (ડીઓએ એન્ડ એફડબ્લ્યુ) માહિતી આપી હતી કે રવી પાકની સ્થિતિ આજની તારીખે સામાન્ય છે અને ઘઉંનું ઉત્પાદન આશરે 112.18 મેટ્રિક ટન રહેવાની અપેક્ષા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે ઘઉંમાં ટર્મિનલ હીટ સ્ટ્રેસ પર નજર રાખવા અને તેને ઘટાડવા માટે કૃષિ કમિશનરની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. વધુમાં, એક આંતર-મંત્રાલય સમિતિ એવું ક્રોપ વેધર વૉચ ગ્રૂપ (સીડબ્લ્યુડબ્લ્યુજી)દર અઠવાડિયે પાકની સ્થિતિની સમીક્ષા કરે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ (એમઓએચએફડબ્લ્યુ)એ માહિતી આપી હતી કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જુલાઈ 2021માં બહાર પાડવામાં આવેલ હીટ રિલેટેડ ઇલનેસ (એનએપી-એચઆરઆઈ) પરનો નેશનલ એક્શન પ્લાન હીટ વેવ, ગરમી સંબંધિત બીમારીઓ અને પ્રાથમિકથી તૃતીયક સ્તરે તેનાં સંચાલન દ્વારા ઊભા થયેલા પડકારોની રૂપરેખા આપે છે. તેમણે રાજ્યોને આવશ્યક દવાઓ, નસમાં અપાતું પ્રવાહી, બરફના પૅક્સ, ઓઆરએસ અને પીવાનાં પાણીના સંદર્ભમાં આરોગ્ય સુવિધાની સજ્જતાની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. તેમણે સમયસર આઇઇસી/જાગરૂકતા સામગ્રીના સમયસર પ્રસારનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર પણ થશે.

પર્યાવરણ, વન અને આબોહવા ફેરફાર મંત્રાલય (એમઓઇએફએન્ડસીસી)ના ડાયરેક્ટર જનરલ (ફોરેસ્ટ) [ડીજી (એફ)],એ જંગલની આગનાં વ્યવસ્થાપન માટે એક્શન પ્લાન અને તૈયારીની રૂપરેખા આપી હતી. આમાં ફાયર લાઇન્સ અને જળ સંચયનાં માળખાની રચના, આગ નિયંત્રણ અને રાજ્યના વન વિભાગ દ્વારા ઉચ્ચ અગ્નિની સંભાવનાવાળા વિસ્તારોમાં અગ્નિશામકોની સામેલગીરીનો સમાવેશ થાય છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ભારતીય વન સર્વેક્ષણ (એફએસઆઈ)એ વન અગ્નિ નામનું ફોરેસ્ટ ફાયર ફોરકાસ્ટિંગ સિસ્ટમ પોર્ટલ વિકસાવ્યું છે, જે આગ પહેલાં અને રિયલ ટાઇમ ફોરેસ્ટ ફાયર એલર્ટ્સ પૂરી પાડે છે.

ગૃહ સચિવે ગૃહ મંત્રાલય અને એનડીએમએ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી અને માહિતી આપી હતી કે હીટ વેવ્ઝનાં નિવારણ અને વ્યવસ્થાપન માટે એક્શન પ્લાન તૈયાર કરવા માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા 2016માં જારી કરવામાં આવી હતી અને 2017 અને 2019માં સુધારવામાં આવી હતી. રાજ્યોને તમામ સ્તરે હીટ એક્શન પ્લાન (એચએપી) તૈયાર કરવા અને તેનો અમલ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત માર્ચ, એપ્રિલ અને મે, 2023માં દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર જાગૃતિ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. એનડીએમએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મારફતે સમુદાયને વાકેફ કરવાના પ્રયત્નોનું પણ નેતૃત્વ કરશે.

ઊર્જા મંત્રાલયના સચિવે માર્ચ, 2023 સુધીમાં પાવર પ્લાન્ટ્સમાં તમામ જાળવણી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પંજાબ અને રાજસ્થાન રાજ્યોને કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ દ્વારા કોલસાનાં ઉત્પાદનમાં વધારો કરવા પણ વિનંતી કરી હતી. પેયજળ અને સ્વચ્છતા, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર તથા પશુપાલન અને ડેરી વિભાગના સચિવોએ પીવાનાં પાણી, સિંચાઈ અને ઘાસચારા સાથે સંબંધિત સૂચવેલા ઉપાયોની રૂપરેખા આપી હતી.

કૅબિનેટ સચિવે નોંધ્યું હતું કે, વર્ષ 2023માં સામાન્ય કરતાં વધારે ગરમ ઉનાળો આવવાની શક્યતા છે, એટલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એ સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે પર્યાપ્ત રીતે તૈયાર રહેવાની જરૂર છે. તેમણે નોંધ્યું હતું કે, કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સજ્જતાનાં મહત્તમ સ્તરને સુનિશ્ચિત કરવા અને શમનનાં સમયસર પગલાંનો અમલ કરવા ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. તેમણે મુખ્ય સચિવોને સંબંધિત વિભાગીય સચિવો અને જિલ્લા કલેક્ટરો સાથે સંભવિત હીટ વેવ માટેની તૈયારીની સમીક્ષા કરવા વિનંતી કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને એનડીએમએ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીઝ- સલાહોનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરી શકાય છે અને તેનો વ્યાપકપણે પ્રચાર થઈ શકે છે. કૅબિનેટ સચિવે હૅન્ડ પંપ્સનું સમારકામ, ફાયર ઑડિટ અને મોકડ્રીલ જેવી મૂળભૂત તૈયારીઓનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. કૅબિનેટ સચિવે રાજ્યોને ખાતરી આપી હતી કે, કેન્દ્રીય એજન્સીઓ તેમની સાથે ગાઢ સંકલન જાળવી રાખશે અને જરૂરી સહાય માટે ઉપલબ્ધ રહેશે.