નવી દિલ્હીઃ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની જનતા માટે આગામી ઉનાળો વધારે આકરો રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ખરેખર, પંજાબમાં શાહપુરકાંડી બેરેજ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ તળાવના કેચમેન્ટ એરિયામાં ટ્રાયલ તરીકે પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શાહપુરકંડી બેરેજ ડેમ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટનું બીજું એકમ છે. આ પ્રોજેક્ટ પર લગભગ રૂ. 2,793 કરોડનો ખર્ચ થયો છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબ બંને રાજ્યોને પાણીની જરૂર છે. હાલમાં રાવી નદીનું પાણી માધોપુર હેડવર્કસમાંથી પાકિસ્તાન જાય છે. પરંતુ હવે આ પ્રોજેક્ટ પૂરો થતાં જ પાકિસ્તાનમાં પાણી જવા પર પ્રતિબંધ લાગશે.
ડેમનો પ્રારંભ થતા રાવી નદીનું પાણી પંજાબની સાથે જમ્મુ-કાશ્મીરના ખેતરોમાં પણ પહોંચશે. આ ડેમમાં પાણી ભરવાનું કામ 1 માર્ચ સુધીમાં શરૂ થવાનું હતું. પરંતુ બુધવારથી શાહપુરકાંડી તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, પહેલા લગભગ ચાર ફૂટ સુધી પાણી ભરવામાં આવશે. આ પછી શાહપુરકાંડીમાં પંજાબના ભાગમાં બનેલા 10 સ્લુઈસની તપાસ કરવામાં આવશે. આ પછી આઠ ફૂટ પાણી ભરાયા બાદ ફરીથી તપાસ કરવામાં આવશે. અહીંથી માધોપુર માટે પાણી છોડવામાં આવશે. 1 માર્ચથી શાહપુરકાંડી તળાવ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ જશે.
- વીજ ઉત્પાદન 2025માં શરૂ થશે
શાહપુરકાંડી ડેમ પ્રોજેક્ટના પાવર હાઉસનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને પાવર હાઉસના નિર્માણ બાદ ડિસેમ્બર 2025 સુધીમાં વીજ ઉત્પાદન શરૂ થશે. આ પછી, આ પાણી પંજાબ અને જમ્મુ વિભાગના ખેડૂતોના ખેતરોમાં પહોંચાડવામાં આવશે. આ બંધનો સૌથી વધુ ફાયદો જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને થશે. આ પ્રોજેક્ટ હેઠળ, જમ્મુ અને કાશ્મીરને રાવી નદીમાંથી દરરોજ 1150 ક્યુસેક પાણી મળશે, જે કઠુઆ અને સાંબા જિલ્લામાં 32173 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડશે. આ પ્રોજેક્ટમાંથી 206 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક પણ છે.