Site icon Revoi.in

સુપરસ્ટાર રજનીકાંતને રૂટીન ચેકઅપ માટે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયા  

Social Share

ચેન્નઈ:સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ગુરુવારે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમના જણાવ્યા અનુસાર, તેમને ‘રૂટીન ચેકઅપ’ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે સાંજે 4.30 કલાકે હોસ્પિટલ પહોંચ્યા હતા.તાજેતરમાં સોમવારે જ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રજનીકાંતે તેમનો પુરસ્કાર નિર્માતાઓ, દિગ્દર્શકો અને ચાહકોને સમર્પિત કર્યો છે. રજનીકાંતની આગામી ફિલ્મ અન્નાત્થે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિરુથાઈ શિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે.

27 ઓક્ટોબરે ચેન્નઈના એક ખાનગી સ્ટુડિયોમાં અન્નાત્થેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અભિનેતા રજનીકાંતે બુધવારે એક ખાનગી સ્ક્રીનિંગમાં પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં 70 વર્ષીય ફિલ્મ અભિનેતાને તેમના બ્લડ પ્રેશરમાં થાક અને વધઘટનો અનુભવ થતાં હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. બાદમાં તેને બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.