અમદાવાદઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં તેમણે ચરખો કાતયો હતો. આ ઉપરાંત તેમણે ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર ફરીથી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોલીવુડના સુપરસ્ટાર સાબરમતી આશ્રમ આવ્યાં હોવાની જાણ થતા મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યાં હતા.
બોલીવુડમાં ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવ્યાં હતા. તેઓ અમદાવાદની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમ ગયા હતા. તેમણે સમગ્ર આશ્રમ જોયા બાદ તેમણે રેંટિયો ચલાવ્યો હતો. તેમણે એક ચેનલને જણાવ્યું હતું કે, હું ભાગ્યશાલી માનું છું કે મને પવિત્ર ગાંધી આશ્રમ આવવા મળ્યું. ફરી એકવાર આશ્રમ આવવાની ઈચ્છા છે. ક્યારેય આ પવિત્ર ભૂમિને નહીં ભુલું. અહીં ચરખો ચલાવતો શિખ્યો છું.
ફિલ્મ અભિનેતા સલમાન ખાને ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ વિઝિટર બુકમાં એક સંદેશ લખ્યો હતો. તેમણે બુકમાં લખ્યું હતું કે, મને આ જગ્યા ખુબ જ પસંદ આવી છે. અહીં આવવું એ જ એક મોટુ સન્માન છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું આ જગ્યાને ક્યારેય નહીં ભુલું. પ્રથમવાર ચરખો ચલાવ્યો હતો અને ફરી આવવા માંગીશ તથા વધારે શીખવા માંગુ છું.
ગાંધી આશ્રમની મુલાકાતે સલામાન ખાન આવ્યાની જાણ થતા પોતાના પ્રિય અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યાં હતા. બીજી તરફ પોલીસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.