નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને જોરદાર રોકેટથી હુમલો કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દુનિયાના વિવિધ દેશો પણ બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને સમર્થન આપનાર લોકો વિવિધ દેશોમાં રસ્તા ઉપર આવીને ઉજવણી કરતા વીડિયો વાયરલ થયાં હતા. દરમિયાન યુદ્ધને લઈને બ્રિટનમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના સમર્થકો સામ-સામે આવી ગયા હતા. આ ઘટના રાજધાની લંડનના હાઈ સ્ટ્રીટ કેંસિંગ્ટન ટ્યુબ સ્ટેશન પાસે બની હોવાનું જાણવા મળે છે. દરમિયાન યુકેના પીએમ ઋષિ સુનકે ઈઝરાયલ ઉપર હુમલો કરનારા હમાસને આતંકવાદી જાહેર કર્યાં હતા.
રિપોર્ટ અનુસાર લંડનમાં ઠેર-ઠેર પેલેસ્ટાઈન અને ઈઝરાયલના સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં છે. તો ક્યાંક આ પ્રદર્શન વધારે ઉગ્ર બન્યું છે. લંડનમાં ઈઝરાયલના દુતાવાસ પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. પેલેસ્ટાઈનના ઝંડા સાથે હજારો પ્રદર્શનકારીઓ ઈઝરાયલની વિરુદ્ધ સુત્રોચાર કરવાની સાથે ધાર્મિક નારા લગાવી રહ્યાં હતા. તેમજ કેટલાક લોકોએ ઈઝરાયલ દૂતાવાસની પાસે ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
ઇઝરાયલ ઉપર શનિવારે હમાસે કરેલા રોકેટ હુમલા બાદ મોટી સંખ્યામાં આતંકવાદીઓએ ઘુસીને ખુની ખેલનો પ્રારંભ કર્યો હતો. હમાસના હુમલા બાદ ઈઝરાયલે વળતો પ્રહાર શરૂ કર્યો હતો. ઈઝરાયલ આર્મીએ પણ હમાસ ઉપર હુમલો કર્યો હતો. તેમજ ગાઝા પટ્ટી ઉપર હમાસના સ્થળો ઉપર રોકેટથી હુમલા કરીને તેને નાશ કરવામાં આવી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને ભારત સહિતના દેશોએ હમાસના હુમલાની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. જ્યારે પાકિસ્તાન સહિતના કેટલાક મુસ્લિમ દેશોએ હમાસને સમર્થન જાહેર કર્યું હતું.