Site icon Revoi.in

SC/ST કાયદામાં સંશોધન પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

Social Share

એસસી-એસટી એક્ટમાં ફેરફાર માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એસસી-એસટી એક્ટ-2018 હેઠળ કાયદામાં સંશોધન કરવામાં આવ્યા છે, તેને લઈને કેન્દ્ર સરકારે પુનર્નિરીક્ષણ અરજી દાખલ કરી છે. તેના સિવાય નવા કાયદાને લઈને કેટલીક જાહેરહિતની અરજીઓ પણ કરી છે. તેવામાં કોર્ટ તમામ અરજીઓ પર એકસાથે 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.

જસ્ટિસ યૂ. યૂ. લલિતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું છે કે આ મામલામાં વિગતવાર સુનાવણી કરવાની જરૂરિયાત છે. માટે કોર્ટ આ મામલા પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. કાયદામાં કરવામાં આવેલા સંશોધનને પડકારનારા એક અરજદાર તરફથી રજૂ થયેલા એડવોકેટ વિકાસસિંહે આવા પરિવર્તનો પર તાત્કાલિક રોક લગાવવાની માગણી કરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આનો ઈન્કાર કર્યો છે.

25 જાન્યુઆરીએ પોતાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલત એસસી-એસટી એક્ટ 2018 હેઠલ કાયદામા કરવામાં આવેલા પરિવર્તનને પડકારતી અરજીઓ અને કેન્દ્રની પુનર્નિરીક્ષણ અરજીઓને યોગ્ય ખંડપીઠની સમક્ષ યાદીબદ્ધ કરવા મામલે વિચારણા કરશે.

આના પહેલા સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉત્પીડન રોકથામ સંશોધન કાયદો-2018 પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. આ સંશોધિત કાયદા દ્વારા આરોપને આગોતરા જામીન નહીં આપવાની જોગવાઈને બહાલ કરવામાં આવી છે.

ગત વર્ષ 21 માર્ચે સુપ્રીમ કોર્ટે અનૂસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ-1989 હેઠળ મામલામાં તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર સક્ષમ ઓથોરિટીની મંજૂરી બાદ જ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ આખા દેશમાં દલિત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યા હતા અને ભારત બંધનું પણ એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ઘમાં રાજ્યોમાંથી હિંસક ઘર્ષણોના પણ અહેવાલો નોંધાયા હતા.

અનુસૂચિત જાતિના લોકોની નારાજગીને જોતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને પલટતા આને મૂળ સ્વરૂપમાં બહાલ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે એસસી-એસટી સંશોધન બિલ-2018 દ્વારા કાયદામાં સંશોધન કર્યું હતું. જેના દ્વારા જૂના કાયદાના મૂળ સ્વરૂપને બહાલ કરવામાં આવ્યું હતું. આવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જોગવાઈને રદ્દ કરવામાં આવી હતી. પરંતુ વાત અહીં જ રોકાઈ નહીં. સરકારના આ પગલાના વિરોધમાં આ વખતે સવર્ણોએ ભારત બંધનું એલાન આપ્યુ હતું. તેની અસર હિંદી બેલ્ટના તમામ રાજ્યોમાં જોવા મળી હતી.

તો અનૂસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉત્પીડનની રોકથામ સંશોધન કાયદા-2018ની વિરુદ્ધ કેટલાક સંગઠનોએ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાંથી આવા સંશોધનો પર રોક લગાવવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટ આવી અરજીઓ પર સુનાવણી કરવા માટે રાજી તો થઈ ગઈ હતી.