સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી, ઉદ્ધવ ઠાકરેની CM પદેથી રાજીનામાંની જાહેરાત
નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલે ફલોર ટેસ્ટની સુચના આપી હતી રાજ્યપાલના આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ અરજીની સુનવણીમાં શિવસેના, સિંદે જૂથ અને રાજ્યપાલ તરફથી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુનવણી બાદ રાતના આદેશ જાહેર કરીને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠરાવી ગુરુવારે ફલોર ટેસ્ટ ની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં શિવસેના તરફથી અભિષેક મનુ સિંઘવીને દલીલો કરી હતી કે, તેમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણકારી મળી. જ્યાં સુધી ધારાસભ્યોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં. ફ્લોર ટેસ્ટ બહુમત જાણવા માટે થાય છે. કોણ વોટ આપવા લાયક છે અને કોણ નથી તેની અવગણના કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને કેટલાક પ્રશ્ન પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, મહા વિકાસ અગાડી સરકાર પાસે હાલ બહુમતમાં નથી અને અમે શિવ સેનામાં છીએ. એટલે રાજ્યપાલનો નિર્ણય યોગ્ય છે તથા ફલોર ટેસ્ટ થવો જોઈએ. રાજ્યપાલ તરફથી હાજર રહેલા એડવોકેટ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, બંધારણ અનુસાર રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપી શકે છે.
સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકાર ની રજૂઆત સાંભળ્યા બાદ ફ્લોર ટેસ્ટ કરવાનો રાજ્યપાલનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે આવતીકાલે વિધાનસભામાં થનારી કાર્યવાહી ઉપર તમામની નજર મંડાયેલી છે દરમિયાન ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની પ્રજા સમક્ષ ભાવનાત્મક સંબોધન કર્યા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.