નવી દિલ્હીઃ ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાજિક મિડિયા પોસ્ટમાં કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ સાથે મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 11મી નવેમ્બરથી ન્યાયમૂર્તિ ખન્નાને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કર્યા છે. ન્યાયમૂર્તિ ખન્ના હાલમાં સર્વોચ્ચ અદાલતમાં બીજા સૌથી વધુ વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ બનશે. ન્યાયમૂર્તિ ખન્ના 13 મે, 2025નાં રોજ નિવૃત્ત થશે.
ભારતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડે 9 નવેમ્બર, 2022નાં રોજ હોદ્દો સંભાળ્યો હતો, તેઓ 10 નવેમ્બરનાં રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.