Site icon Revoi.in

કચ્છમાં લૂપ્ત થતાં ઘોરાડ પક્ષીને બચાવવા વીજ લાઈનો જમીનમાં બીછાવવા સુપ્રીમનો આદેશ

Social Share

ભુજ :  કચ્છમાં ઘોરાડની વસતી વર્ષ 2013થી 2021 દરમિયાન તીવ્ર ગતિએ ઘટી જવા પામી છે.  વર્ષ 2014થી 2018 દરમિયાન બે ઘોરાડ પક્ષી વીજતારો સાથે અથડાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે  નર ઘોરાડ પક્ષીની લાંબા સમયથી ગેરહાજરી પણ ચિંતાનો વિષય બની ગયો છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે 18 ઘોરાડ પક્ષી વીજતારોથી ટકરાઇને મૃત્યુ પામતાં હોવાનું અનુમાન છે. આવી વિકટ પરિસ્થિતિને ધ્યાન પર લેતાં કરાયેલી પીઆઇએલ પર મહત્ત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ઘોરાડને નુકસાન કરતી વીજ લાઇનો જમીનની અંદર લગાડવા આદેશ કર્યો હતો.

ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી ડો. એમ. કે. રણજીતસિંહ અને અન્ય પ્રકૃતિપ્રેમીઓમાં પિરારામ બિશ્નોઇ, નવીનભાઇ બાપટ, સંતોષ માર્ટીન અને ધ કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઘોરાડને’ બચાવવા માટે વર્ષ 2019માં પીઆઇએલ કરવામાં આવી હતી. જેમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી. આ રિટની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઘોરાડના વિસ્તારોમાંથી પસાર થતી વીજતારોની લાઇનો જમીનની અંદરથી પસાર કરવા આદેશ કરાયો છે.  આ કાર્ય એક વર્ષ સુધીમાં પૂર્ણ કરવાની સમયરેખા પણ નિર્ધારિત કરવા આવી છે. તેમજ ભવિષ્યમાં ઘોરાડના વિસ્તારોમાં નખાતી તમામ વીજલાઇનો જમીનની અંદરથી પસાર કરવાની રહેશે.  અન્ય ઘોરાડના વિસ્તારોમાં વીજતારો પર પક્ષી દૂરથી જ જોઇ શકે તેવા ખાસ પ્રકારના બર્ડ ડાયવર્ટર લગાડવા હુકમ કરાયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવાયું છે કે, વિલુપ્તિના આરે આવેલી પ્રજાતિ માટે આ નિર્ણય અનિવાર્ય છે.