શારદા ચિટ ફંડ મામલે કોર્ટમાં માગણી કરવામાં આવી હતી કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોનિટર કરવા માટે એક કમિટી બનાવવામાં આવે. કોર્ટે રોકાણકારોની આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી છે.
પશ્ચિમ બંગાળના બહુચર્ચિત શારદા ચિટ ફંડ ગોટાળાની સાથે જોડાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજી શારદા ચિટ ફંડમાં નાણાં રોકનારાઓ તરફથી દાખલ કરવામાં આવી હતી. તેમા માગણી કરવામાં આવી હતી કે સીબીઆઈ તપાસનું મોનિટરિંગ કરવા માટે એક કમિટી હોવી જોઈએ.
અરજીમાં આ રોકાણકારો તરફથી સીબીઆઈની તપાસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ ગત ચાર વર્ષોમાં આ મામલાની યોગ્ય રીતે તપાસ કરી નથી. માટે સુપ્રીમ કોર્ટ સીબીઆઈની તપાસને મોનિટર કરે.
પોતાની આ માગણીની પાછળ અરજીમાં દલીલ પણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સીબીઆઈ ચિટ ફંડ કેસની સાથે જોડાયેલા ખાતાના ઓડિટ એક પ્રાઈવેટ એજન્સી પાસેથી કરાવાઈ રહ્યા છે. તેના ઉપર ભરોસો કરી શકાય નહીં.
આ દલીલ આપતા ચિટફંડના રોકાણકારોએ સુપ્રીમ કોર્ટને મોનિટરિંગ કમિટીને આધિન તપાસ કરાવવાની માગણી કરી છે. પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરતા તેના ઉપર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલામાં પહેલેથી તપાસ ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે 201માં સુપ્રીમ કોર્ટે જ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.
શારદા ચિટ પંડ કેસ બંગાળ અને ઓડિશા સાથે જોડાયેલો છે. તેમા લગભગ 40 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે અને તેની આંચમાં બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીના ઘણાં નેતાઓ છે. તેમાના ઘણાં નેતાઓ જેલમાં પણ જઈ આવ્યા છે.
આ કેસને લઈને તાજેતરમાં કોલકત્તા પોલીસ કમિશનરના ઘરે સીબીઆઈની રેડના મામલે રાજકીય બબાલ સર્જાઈ હતી. આ મામલે વિરોધમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી ધરણા પર બેઠા હતા. બાદમાં સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને ત્યાંથી ચિટ ફંડ કેસની એસઆઈટીના પ્રમુખ રહેલા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબાઈ પૂછપરછમાં સહયોગ આપવાની સલાહ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈની ટીમ છેલ્લા ત્રણ દિવસતી શિલૉન્ગમાં રાજીવકુમારની પૂછપરછ કરી રહી છે.