કોલકાતા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારની ધરપકડ સામે સંરક્ષણ માંગતી અરજી સુપ્રીમ કોર્ટે નકારી
શારદા ચિટફંડ કૌભાંડ મામલે જ્યાં સુધી પશ્ચિમ બંગાળની સંબંધિત જ્યુરિસ્ડિક્શનલ કોર્ટ કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નરની આગોતરા જામીન અંગેની અરજી વિશે કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે રાજીવકુમારની સીબીઆઇ દ્વારા ધરપકડથી સંરક્ષણ માંગતી અરજીને નકારી કાઢી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તમે (રાજીવકુમાર) કલકત્તા હાઇકોર્ટ કે પછી અન્ય ટ્રાયલ કોર્ટમાં જઈ શકો છો કારણકે આ કોર્ટ્સ કાર્યરત છે. ત્યાં કોઈ વેકેશન નથી. ત્યાં જઈને યોગ્ય ઉપાયની માંગણી કરો.’
ઉલ્લેખનીય છે કે શારદા ચિટફંડ કૌભાંડ મામલે 17 મેના રોજ રાજીવકુમારની ધરપકડ પર લાગેલી રોક સુપ્રીમ કોર્ટે હટાવી દીધી હતી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘સીબીઆઇ પોતાનું કામ કરી શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 7 દિવસ પછી લાગુ થશે. આ દરમિયાન રાજીવકુમાર પોતાના તરફથી કાયદાકીય પગલાંઓ લેવા માટે સ્વતંત્ર છે.’