રફાલ કેસમાં લીક દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત
રફાલ ડીલ કેસમાં પોતાના ચુકાદા પર પુનર્વિચારણાની માગણી કરનારી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે લીક દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવાઓ પર ઓર્ડર સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે રફાલ ડીલના તથ્યો પર ધ્યાન આપતા પહેલા તે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા શરૂઆતના વાંધા પર નિર્ણય કરશે.
હકીકતમાં કેન્દ્ર સરકારે રફાલ યુદ્ધવિમાન સાથે સંબંધિત દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કર્યો છે અને સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે પુરાવા અધિનિયમની જોગવાઈઓ હેઠળ કોઈપણ સંબંધિત વિભાગની મંજૂરી વગર તેને રજૂ કરી શકાય નહીં. અટોર્ની જનરલે કહ્યુ છે કે કોઈપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજ પ્રકાશિત કરી શકાય નહીં અને રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે.
વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રફાલના જે દસ્તાવેજો પર અટોર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે, તે પ્રકાશિત થઈ ચુક્યા છે તથા જાહેરક્ષેત્રમાં છે. તેમણે કહ્યુ છે કે માહિતી અધિકાર કાયદાની જોગવાઈ કહે છે કે જાહેરહિત અન્ય ચીજોથી સર્વોપરિ છે અને ગુપ્ત એજન્સીઓ સાથે સંબંધિત દસ્તાવેજો પર કોઈપણ પ્રકારના વિશેષાધિકારનો દાવો કરી શકાય નહીં.
પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને આગળ કહ્યુ હતુ કે રફાલ સિવાય કોઈ અન્ય સંરક્ષણ સોદો નથી. તેવામાં કેગના રિપોર્ટમાં કિંમતોની વિગતો સંપાદીત કરવામાં આવી છે. પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે રફાલ સોદામાં સરકાર-સરકારની વચ્ચે કોઈ કરાર થયો નથી, કારણ કે તેમા ફ્રાંસે કોઈ સાર્વભૌમત્વની ગેરેન્ટી આપી નથી. તેમણે કહ્યુ છે કે ભારતીય પ્રેસ પરિષદ અધિનિયમમાં પત્રકારોના સૂત્રોના સંરક્ષણની પણ જોગવાઈ છે. બાદમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને કહ્યુ હતુ કે તેઓ કેન્દ્રના પ્રારંભિક વાંધા પર નિર્ણય કર્યા બાદ જ મામલાના તથ્યો પર વિચાર કરશે.
સુપ્રીમ કોર્ટે રફાલ ડીલના મામલામાં પુનર્વિચારણા અરજીઓ પર કેન્દ્રના પ્રારંભિક વાંધા પર સુનાવણી પૂર્ણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે પુનર્વિચારણા અરજી દાખલ કરનારા અરજદાર ગેરકાયદેસર રીતે પ્રાપ્ત થયેલા વિશેષાધિકારવાળા દસ્તાવેજોને આધાર બનાવી શકે નહીં. મહત્વપૂર્ણ છે કે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર તરફથી અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે પોતાના દાવાના ટેકામાં પુરાવાના કાયદાની કલમ-123 અને માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓને ટાંકી છે.
મહત્વપૂર્ણ છે કે આ ખંડપીઠ રફાલ સોદાના મામલામાં પોતાના ચુકાદા પર પુનર્વિચારણા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ પુનર્વિચારણા અરજીઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો યશવંત સિંહા અને અરુણ શૌરી તથા વકીલ પ્રશાંત ભૂષણે દાખલ કરી છે.
રફાલ વિવાદ મોદી સરકારે ફરીથી કરી ભૂલ, કોર્ટમાં બોલ્યા અટોર્ની જનરલ- બાકી રહી ગયા હતા કેગ રિપોર્ટના ત્રણ પૃષ્ઠો
રફાલ કેસમાં મોદી સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં વધુ એક ભૂલનો ખુલાસો થયો છે અને તેને ખુદ અટોર્ની જનરલે કબૂલ કરી છે. ગુરુવારે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યુ હતુ કે રફાલ ડીલ કેસમાં અમે કેગનો રિપોર્ટ સબમિટ કરવા દરમિયાન એક ભૂલ કરી છે. કેગના રિપોર્ટના પ્રારંભના ત્રણ પૃષ્ઠો કોર્ટને સોંપવામાં આવ્યા નથી. વેણુગોપાલે ક્હ્યુ હતુ કે સરકાર પણ ચાહે છે કે કેગ રિપોર્ટના પહેલા ત્રણ પૃષ્ઠો પણ કોર્ટમા ઓન રેકોર્ડ દસ્તાવેજ તરીકે સામેલ કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે આ મામલામાં એક એફિડેવિટ જમા કરીને કોર્ટમાંથી દસ્તાવેજ લીક કરનારાઓને દંડ આપવાની વિનંતી કરી હતી. હાલ કોર્ટે આના પર ચુકાદો આપ્યો નથી.