ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે જે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તેમને લાંબા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના જુદા જુદા શહેરોમાં શુક્રવારની નમાજ પછી પૈગ્મ્બર મહોમદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન માત્ર પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો, પરંતુ જાહેર અને ખાનગી સંપત્તિને પણ નુકસાન થયું હતું. આ પછી યુપીમાં બુલડોઝર સક્રિય જોવા મળે છે. રમખાણોના આરોપીઓની સંપત્તિ તોડી પાડવામાં આવી રહી છે. તેની સામે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેને એક સમુદાયને નિશાન બનાવવાના પ્રયાસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
જસ્ટિસ એએસ બોપન્ના અને વિક્રમ નાથની વેકેશન બેન્ચ સમક્ષ આ મામલે જમીયત ઉલેમા એ હિંદ તરફથી વરિષ્ઠ વકીલ સી યુ સિંઘ, હુઝૈફા અહમદી અને નિત્યા રામકૃષ્ણન હાજર રહ્યાં હતા. ત્રણેય વકીલોએ દાવો કર્યો હતો કે, યુપીમાં કોઈ પણ જાતની સૂચના આપ્યા વિના એક સમુદાયના લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. પહેલા મુખ્યમંત્રી અને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અન્ય લોકો બદમાશોને પાઠ ભણાવવાની વાત કરે છે, ત્યારબાદ તેમના બાંધકામ પર બુલડોઝર ફરે છે. વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે નિર્માણ ગેરકાયદે હતું, આ એક પ્રકારની પેટર્ન ચાલી રહી છે જેની ઉપર પ્રતિબંધ ફમાવવો જરૂરી છે.
જમીયતના વકીલ સી યુ સિંહે કહ્યું, “ઉત્તર પ્રદેશના વર્તમાન કાયદા મુજબ, બાંધકામના માલિકને તે ગેરકાયદેસર હોવાની આશંકા પર નોટિસ આપવામાં આવે છે. તેને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયા પછી પણ, જો બાંધકામ ગેરકાયદે હોવાનું જણાય છે, તો તેના માલિકને પહેલા જાતે બાંધકામ દૂર કરવા માટે કહેવામાં આવે છે. આ માટે 15 થી 30 દિવસનો સમય આપવામાં આવે છે. પરંતુ યુપીમાં તેનું પાલન કરવામાં આવતું નથી.”
બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ જમિયતના વકીલોની દલીલોનો જોરદાર વિરોધ કર્યો હતો. તુષાર મહેતાએ કહ્યું કે અસરગ્રસ્ત પક્ષકારોમાંથી એક પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવ્યો નથી. કોઈએ એફિડેવિટ આપી નથી કે તેમને નોટિસ મળી નથી. તેના બદલે જમીયત નામનું સંગઠન જે સાંભળ્યું છે તેના આધારે દાવો કરી રહ્યું છે કે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે તેના આધારે કોઈ આદેશ પસાર કરવો જોઈએ નહીં.
પ્રયાગરાજ અને કાનપુર સત્તાવાળાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે તમામ કેસમાં નોટિસ જારી કરવામાં આવી છે. પ્રયાગરાજમાં તોડી પાડવામાં આવેલી મિલકતનું ઉદાહરણ આપતા સાલ્વેએ કહ્યું કે, તેને તોડી પાડવાનો આદેશ 25 મેના રોજ કરાયો હતો. જ્યારે યુપીમાં જુન મહિનામાં રમખાણો થયા હતા. સાલ્વેએ કાનપુરની અન્ય સંપત્તિ વિશે જણાવ્યું કે, તેમની વિરુદ્ધ ઓગસ્ટ 2020માં નોટિસ જારી કરવામાં આવી હતી. આ પછી પ્રશાસને મિલકત સીલ કરી દીધી હતી. મિલકતના માલિકે સીલ તોડી નાખ્યું. આ અંગે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. આખરે તે બાંધકામ તોડી પાડવાનો આદેશ જારી કરાયો હતો. કાનપુરમાં રમખાણોના ઘણા સમય પહેલા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકારના વકીલોએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ આ તમામ બાબતો પર લેખિત એફિડેવિટ દાખલ કરશે. આ માટે તેમને સમય આપો. કોર્ટે રાજ્ય સરકારને જવાબ દાખલ કરવા માટે 3 દિવસનો સમય આપતા કહ્યું કે, આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. હાલમાં, કોર્ટે યુપીમાં બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી, પરંતુ સુનાવણી દરમિયાન તેણે ટિપ્પણી કરી હતી કે વહીવટની સમગ્ર પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ.