31 જૂલાઇ સુધીમાં ‘એક રાષ્ટ્ર, એક રાશન’ યોજના લાગુ કરવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ
- સુપ્રીમ કોર્ટનો દરેક રાજ્યોને આદેશ
- એક રાષ્ટ્ર, એક રાશન યોજના લાગૂ કરવા
દિલ્હીઃ- દેશમાં દેશમાં ‘વન નેશન, વન રાશન’ યોજના લાગુ કરવા અને પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આદેશ આપ્યો છે. ઉચ્ચ અદાલતે મંગળવારે આ મામલે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ સમુદાય રસોડું ચલાવવું જોઈએ જેથી કોરોના સંકટ યથાવત રહે ત્યાં સુધી તેમને ભોજન મળી રહે. એટલું જ નહીં, કોર્ટે દેશના તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં એક રાષ્ટ્ર એક રાશન યોજના લાગુ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પરપ્રાંતિય મજૂરોની નોંધણી માટે 31 જુલાઇ સુધીમાં એક પોર્ટલ પણ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.
ન્યાયાધીશ અશોક ભૂષણ અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે એક પોર્ટલ તૈયાર કરવું જોઈએ જેથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની નોંધણી કરવામાં આવી શકે. તેની પ્રક્રિયા 31 જુલાઈથી શરૂ થવી જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટે ડેટા જાહેર કરવામાં વિલંબ માટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ બાબતે કોર્ટે કહ્યું, “શ્રમ અને રોજગાર મંત્રાલયનું ઉદાસીન વલણ માફ કરવા લાયક નથી.” ખંડપીઠે કહ્યું હતું કે, “સંગઠિત અને સ્થળાંતરીત મજૂરો માટે પોર્ટલ તૈયાર કરવામાં કેન્દ્ર સરકારના વિલંબથી એ સ્પષ્ટ થાય છે કે તેઓને લોકોના હકની ચિંતા નથી. આ સ્વીકારી શકાય નહીં. ‘
આ સિવાય કેન્દ્ર સરકારને રાજ્યોને વધારાનું રાશન આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છએ કે વન નેશન, વન રાશન યોજના અંતર્ગત દેશના તમામ પરપ્રાંતિય મજૂરોને આ સુવિધા મળશે. આ અંતર્ગત, તેઓ જે પણ રાજ્ય કે શહેરમાં છે, તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન મેળવી શકે છે