શ્રીનગર – જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરાઇ છે ત્યારે આજે આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવવા જય રહી છે કોર્ટ 23 અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે.આ સાથે જ બંને પક્ષોની દલીલો બાદ 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
આ સહિત આજના દિવસને જપ્ત જમ્મુ કાશ્મીર પોલીસ સોશિયલ મીડિયાના ઉપયોગ સખત નજર રાખી રહી છે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા, જમ્મુ અને કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયાના કથિત દુરુપયોગ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસમાં 5 લોકો સામે ‘નફરતજનક સામગ્રી’ નાખવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પોલીસે એક કથિત અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરી છે. મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબલ જિલ્લામાં બે-બે લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘પોલીસે બારામુલ્લા જિલ્લાના વાની મોહલ્લા બલિહારન પટ્ટનના રહેવાસી અલી મોહમ્મદ વાનીના પુત્ર બિલાલ અહેમદ વાની નામના વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભડકાઉ અને દેશદ્રોહી નિવેદનો ધરાવતા નફરતથી ભરેલા વીડિયો અપલોડ કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે, બડગામ પોલીસે અફવા ફેલાવવા બદલ બે લોકો સામે કાર્યવાહી કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના તાજેતરમાં જારી કરાયેલા આદેશ હેઠળ બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસે લોકોને સોશિયલ મીડિયાના દુરુપયોગથી સાવચેત રહેવા અપીલ કરી છે.
પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘વાતાવરણને બગાડવાનો અને જાહેર વ્યવસ્થા માટે સમસ્યા ઊભી કરવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી જોવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ છેલ્લા બે સપ્તાહમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય બંધારણીય છે કે નહીં. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.