મતદાનના આંકડા જાહેર કરવા મામલે ચૂંટણી પંચને નિર્દેશ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનના આંકડા વેબસાઈટ ઉપર અપલોડ કરવા સંબંધમાં કોઈ નિર્દેશ કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, લોકસભા ચૂંટણીને લઈને પાંચ તબક્કા પૂર્ણ થયાં છે હવે બે તબક્કામાં મતદાન યોજાશે. જેથી ચૂંટણી પંચને વેબસાઈટ પર મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવાના કામમાં લોકોને લગાવવા મુશ્કેલ છે.
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે ADRની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કાના મતદાન પૂર્ણ થયાના 48 ટકામાં વેબસાઈટ ઉપર મતદાન કેન્દ્રવાર આંકડા અપલોડ કરવા નિર્દેશ કરવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજીનો વિરોધ કરતા ચૂંટણીપંચએ જણાવ્યું હતું કે, આમ કરવાથી ભ્રમ પેદા થશે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન કેન્દ્ર પ્રમાણે મતદાનની ટકાવારીના આંકડા સમજ્યા વિના જાહેર કરવા અને વેબસાઈટ પર પોસ્ટ કરવા માટે લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત મશીનરીમાં ભ્રમની સ્થિતિ ઉભી થઈ શકે છે.
પંચે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, ઉમેદવાર અને તેના એજન્ટ ઉપરાંત અન્ય વ્યક્તિને ફોર્મ 17 સી આપવાનો કોઈ કાનૂની અધિદેશ નથી. અરજદારે ચૂંટણી પંચને એવા નિર્દેશ કરવાનો આગ્રહ કર્યો હતો કે, તમામ મતદાન કેન્દ્રોના ફોર્મ-17 સી ભાગ 1ની પ્રતિયાં મતદાન બાદ તાત્કાલિક અપલોડ કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે યોજાશે.