અમદાવાદઃ સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદેશથી 41 જેટલા મુસાફરો આવ્યા છે. આ તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી મળેલા અને વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવવાનું શરૂ થયું છે. નવી ગાઇડલાઇન પ્રમાણે આ વેરિયેન્ટ જ્યાંથી પ્રસર્યો છે, એ સાઉથ આફ્રિકા સહિતના 12 દેશોને અતિ જોખમી દેશોના પ્રવાસીઓ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
વિદેશથી આવનારા તમામ યાત્રીઓને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરાયાં છે. 12 જોખમી દેશોથી આવેલા લોકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવાનો નિર્દેશ કરાયો છે. 7 દિવસ બાદ તેઓનો ફરી ટેસ્ટ કરવામાં આવશે. તેનો નેગેટિવ આવે તો લક્ષણોને આધારે નિર્ણય કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે આ જોખમી 12 દેશોમાંથી આવતા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ હશે તો 14 દિવસ સુધી તેમને ક્વોરેન્ટાઇન રાખવાની સાથે તેઓના સેમ્પલનું જિનોમ સિકવન્સીંગ કરવામાં આવશે.
બીજી તરફ સુરત મનપા દ્વારા કોરોનાની ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. મનપાએ કોરોના રસીકરણનો 100 ટકાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.