Site icon Revoi.in

સુરતઃ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી

Social Share

સુરતઃ બાળકીઓ પરના દુષ્કર્મીઓને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવાનું યથાવત રાખવામાં આવ્યું છે. સલાબતપુરા ટેનામેન્ટમાં માસુમ બાળકી પર દુકાનમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સજાની સાથે 7 હજારનો દંડ ફટકાર્યો છે. જેથી પરિવારે પણ ચુકાદાને આવકારીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી. ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય પણ કરાશે.

કેસની હકીકત અનુસાર, સલાબતપુરા ટેનામેન્ટની એક દુકાનમાં માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરી વારંવાર બદકામ કરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરનારને સુરત કોર્ટે અલગ અલગ ગુનામાં 20 વર્ષની સજા અને 7 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વર્ષ 2019માં આરોપી જાવેદ શેખએ ચોકલેટ બિસ્કિટ લેવા આવતી માસુમને દુકાનમાં બળજબરી પૂર્વક પોતાનો શિકાર બનાવી હતી. સાથે હવસનો ખેલ ખેલ્યા બાદ આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે, જો તું કોઈને કહીશ તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ.

માસુમ બાળકીના પરિવારે જાવેદ શેખ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે બાળકીને પીંખી નાખનાર વિરુદ્ધ બળાત્કાર સહિત પોક્સો સહિતની કલમ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પૂરાવાઓ અને વકીલોની દલિલો કોર્ટમાં ચાલી હતી. જેમાં કોર્ટે દુષ્કર્મી આરોપીને કડક સજા સંભળાવી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા આરોપીને 20 વર્ષની જેલની સજાની સાથે સાથે 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ચુકાદાને બાળકીના પરિવારે પણ આવકાર્યો હતો. સરકારી વકીલ કિશોરભાઈ રેવલિયાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય પણ કરાશે.