સુરત: કોઈપણ પક્ષની વિચારધારાને અપનાવીને પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડીને જીતેલા કોરેપોરેટરો કે ધારાસભ્યો લોભ લાલચમાં આવી જઈને પાટલી બદલતા હોય છે. પક્ષાંતરનો સિલસિલો ખૂબ વધી રહ્યો છે. કોઈપણ રાજકિય પક્ષ એ એક વિચારધારા હોય છે. પક્ષાંતર કરી રહેલા જીતેલા સભ્યો પક્ષનો જ નહીં પણ પ્રજાનો પણ દ્રોહ કરી રહ્યા છે. સુરતમાં તાજેતરમાં આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ પાટલી બદલીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સુરતમાં મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપની સ્પસ્ટ બહુમતી છે. છતાં આમ આદમી પાર્ટીને ઉભી થતાં જ ડામી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ પેદા થઈ છે. હજુ હાલમાં આપના કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે. ત્યારે ફરી આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થતા ખળભળાટ મચી ગયો છે.
આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મહિલા કોર્પોરેટરનો ફોન છેલ્લા 24 કલાકથી બંધ થયો છે. જેના કારણે પાર્ટી ચિંતામાં પડી છે. હાલ મહિલા કોર્પોરેટર ક્યાં છે તેની કોઈને કંઈ ખબર નથી. ત્યારે ગુમ થયેલા કોર્પોરેટર આમ આદમી પાર્ટી છોડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉની જેમ આપના કોર્પોરેટર ભાજપમાં જોડાય શકે છે. કહેવાય છે કે, ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારી, વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ ભાજપ આમ આદમી પાર્ટીમાં વધુ એક વખત ગાબડું પડી શકે છે. જો આ વાત સાચી સાબિત થઈ તો સુરત આપમાં મોટી મુશ્કેલીઓ ઉભી થશે. અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી. મહિલા કોર્પોરેટરોના પાર્ટી છોડવાને પગલે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવું જ ચાલતું રહ્યું તો આમ આદમી પાર્ટીની ઓફિસે તાળા લાગી જશે. તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા હતા. AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે બીજી બાજુ ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થયા હતા.સુરતમાં 27 કોર્પોરેટરમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાતા હવે માત્ર 22 કોર્પોરેટર જ બાકી રહ્યાં છે. અને હજુ વધુ કોર્પોરેટરોને ભાજપના જોડાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.