અમદાવાદઃ સુરત શહેર પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રોંગ સાઈડ વાહન ચલાવનારાઓની સાન ઠેકાણે લાવવા 88 ટીમ બનાવી કડકાઈથી કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત આરટીઓએ પણ વારંવાર ટ્રાફિકના નિયમ તોડનારા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવા અથવા વાહન રજિસ્ટ્રેશન રદ કરવા ઝુંબેશ હાથ ધરી છે.
75થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરતા CCTVમાં અથવા પોલીસના હાથે ઝડપાયેલા વાહન માલિકોને RTOએ નોટિસ ફટકારી RTO કચેરીમાં હાજર થવા ફરમાન જાહેર કર્યું છે. 100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહન માલિને RTO કચેરીમાં હાજર થવા નોટિસ પાઠવવામાં આવી છે. 75થી વધુ વખત નિયમ ભંગ કરનારા 22 અને 70થી વધુ વખત નિયમ તોડનારા 25 વાહનચાલકોને આરટીઓએ રૂબરૂ હાજર રહેવા નોટિસ ફટકારી છે.
RTOમાં હાજર રહેનારાઓને સાંભળીને તેઓની સામે પગલાં ભરાશે, જ્યારે ગેરહાજર રહેનારાઓના કિસ્સામાં તેઓએ કંઈ કહેવાનું રહેતું નથી તેમ માનીને એક તરફી નિર્ણય લઈ લેવામાં આવશે. અવારનવાર ટ્રાફિક નિયમનો ભંગ કરવા ટેવાયેલા આ વાહનચાલકોના 90 દિવસથી લઈને 180 દિવસ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરાશે.