Site icon Revoi.in

સુરતઃ સામાન્ય તકરારમાં ટ્રાફિક જવાને BRTS ડ્રાઈવરનો પક્ષ લેતા નારાજ શ્રમજીવીએ પોલીસ ચોકીને ચાંપી આગ

Social Share

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં ટ્રાફિક પોલીસની ચોરીને આગ ચાંવાની ઘટના સામે આવી છે. સામાન્ય તકરારમાં ટ્રાફિકના જવાનોએ બીઆરટીએસના ડ્રાઈવર પક્ષ લઈને એક શ્રમજીવીને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે શ્રમજીવીએ એક સગીર સાથે મળીને ચોરીમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી હોવાનું જાણવા મળે છે. પોલીસે સીસીટીવી ફુજેટના આધારે આગ ચાંપનારા શ્રમજીવી અને સગીરની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રોકડિયા હનુમાન ઓવરબ્રિજ નીચે આવેલી ટ્રાફિક ચોકીમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ આગ ચાંપી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગમાં ચોકીમાં મુકેલી પ્લાસ્ટીકની ખુરશી અર્ધબળેલી હાલતમાં હતી. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે બ્રિજની નીચે રહેતા શ્રમજીવી સંદીપ અને એક સગીરની અટકાયત કરી હતી. સંદીપે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, બીઆરટીએસના ચાલક સાથે તકરાર થઈ હતી ત્યારે ટ્રાફિક ચોકીમાં ફરજ બજાવતા જવાનોએ બીઆરટીએસના ચાલકનો પક્ષ લઈને શ્રમજીવીને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે સંદીપ અને સગીર મિત્રએ ટ્રાફિક પોલીસ ચોકીમાં રાત્રિના સમયે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી હતી. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(Photo-File)