સુરતઃ લાજપોર જેલમાં બંધ પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ ઉભી કરાશે
અમદાવાદઃ સુરતમાં પાકા કામના કેદીઓની સ્કિલ ડેવલપ કરવા સાથે પુનર્વસન માટે ઓપન જેલ બનાવવા માટે જેલ સત્તાવાળાઓએ ઓલપાડના સોંદલાખારાની 50 હેક્ટર જમીન પસંદ કરી છે. સોંદરાખારાની જમીનની ફાળવણી માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સરકારમાં દરખાસ્ત મોકલી હોવાનું જાણવા મળે છે. સરકારની મંજૂરી બાદ ખેડૂતો આગામી દિવસોમાં ખેતી પણ કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના કેદીઓ પશુપાલન, ખેતી, ડાયમંડ પોલિશિંગ, ટેક્સ્ટાઇલ અને એમ્બ્રોઇડરી વર્ક જેવી કામગીરી થકી સ્કિલ ડેવલપ કરી શકે તે માટે ઓપન જેલ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. પાકા કામના કેદીઓમાં વધુ ને વધુ સ્કિલ ડેવલપ થાય તેમજ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાખોરીની દુનિયામાં પગ નહીં મૂકે, જેલની અંદર જ રોજગારીનું માધ્યમ ઊભું કરી પુનર્વસન કરી શકાય તે હેતુથી સરકારે ઓપન જેલનો કન્સેપ્ટ અમલી બનાવ્યો છે. હાલ રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં ઓપન જેલ કાર્યરત છે. લાજપોર તરફ ખુલ્લી જગ્યા ન હોવાથી ઓલપાડના સોંદલાખારા તરફ આવેલી જગ્યા જેલસત્તાવાળાઓને બતાવવામાં આવી હતી.
લાજપોર જેલ હાલ 4760 કેદી છે જે પૈકી 640 પાકા કામના કેદીઓ છે. પાકા કામના મોટાભાગના કેદીઓ ડાયમંડની વિભિન્ન પ્રકારની કામગીરી અને કેટલાક ટેક્સ્ટાઇલ વર્ક સાથે પણ સંકળાયેલા છે. ઓપન જેલમાં ડાયમંડ પોલિશિંગ , ટેક્સ્ટાઇલ જ્યારે મહિલાઓ માટે એમ્બ્રોઇડરી વર્ક અંગેની રોજગારી ઊભી કરવા પ્રાથમિકતા અપાશે. કેદીઓ જેલમાં ખેતી પણ કરી શકશે. ભારતમાં કુલ 63 ઓપન જેલ છે.