સુરત: ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સની ટીમે 3 સ્થળ પર દરોડા પાડી, 8 બાળમજુરને મુક્ત કરાવ્યાં
અમદાવાદઃ સુરતમાં નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ.નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ફેબ્રુઆરી માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે નિવાસી અધિક કલેકટરએ જરૂરી સુચનો કર્યા હતા. બેઠકમાં કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો. બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એસ એસ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા ઈંટના ભટ્ટા, ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ માર્કેટમાં કુલ ૩ રેડ કરવામાં આવી હતી, જેમાં ૩ બાળશ્રમિક અને ૫ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 3 બાળશ્રમિક બિનગુજરાતી છે. 1 નિયમનનો કેસ કર્યો હોવાની વિગતો શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.