અમદાવાદઃ સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41મું સફળ અંગદાન થયું છે. બ્રેઈનડેડ શંકરભાઈ રૂપલા માળીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલમાં 10 મહિનામાં 41 બ્રેઈનડેડ દર્દીઓ મારફતે 137 જેટલા અંગનું દાન મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે સુકુન રો-હાઉસમાં રહેતા ૫૨ વર્ષીય શંકરભાઈ રૂપલાભાઈ માળીને તા. 18મી ઓગસ્ટના રોજ રાત્રે જમીને અચાનક સાધારણ દુ:ખાવાની સાથે ખેચની અસર જણાતી હતી. જેથી મોટાભાઇ વિરેન્દ્ર અને પરિવારજનોએ તા.19મીના રોજ સવારના સાયણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તબીબોએ તપાસ કરતા સ્થિતિ વધારે ગંભીર હોવાનું જણાવતા તત્કાલ 11.11 વાગે બેભાન અવસ્થામાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર બાદ તા. 21મી ઓગષ્ટના રોજ 11.45 વાગે સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો. કેયુર પ્રજાપતિ તથા RMO ડો.કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
માળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો પરિવારવાનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. જેથી આજે સવારે બન્ને કિડનીનું દાન સ્વીકારી અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બ્રેઈનડેડ શંકરભાઈ માળી મૂળ મહારાષ્ટ્રના ધુલેના કલમસારેના વતની છે. તેમના પરિવારમાં શંકરભાઈના પત્ની પ્રેમિલાબેન, પુત્ર વિરેન્દ્ર તથા મુકેશભાઇ છે.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના ડોકટરોના સઘન પ્રયાસોના કારણે છેલ્લા 10 મહિના દરમિયાન 41 સફળ અંગદાન થયા છે. જેમાં 74 કિડની, 32 લિવર, 3 હદય, 1 સ્વાદુપિંડ, 4 આંતરડા, 7 હાથ, 14 આંખ અને આમ કુલ 137 અંગોનું દાન થયું છે. સિવિલ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, જાગૃત્ત સ્વયંસેવકોના સૌના સહિયારા પ્રયાસોના પરિણામે અંગદાનની જાગૃતિ આવી રહી છે.