સુરતઃ વાહનોના ટાયરની નકલી ટ્યુબ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 10,000 રબર ટ્યુબ જપ્ત
- ભારત માનક બ્યુરોએ બાતમીના આધારે દરોડા પાડ્યાં
- નકલી ISI માર્કવાળી વિવિધ બ્રાન્ડની રબર ટ્યુબ મળી
- ભારત માનક બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જાણીની બ્રાન્ડના નામે નકલી સામાન વેચનારાઓ સામે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નજીક એક ફેકટરીમાં વાહનોના ટાયરની નકલી ટ્યુબ બનાવવાના રેકેટનો ભારતીય માનક બ્યુરોએ પર્દાફાશ કર્યો છે. તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોથી માન્ય લાયસન્સ લીધા વગર વાહનોની રબર ટ્યુબનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધાર સુરતના માંગરોલમાં આવેલા મેસર્સ જયલક્ષ્મી રબર ઈન્ડસ્ટ્રીઝ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, વાહનોમાં ઉપયોગ હેતુ રબર ટ્યુબ બનાવનાર નકલી આઈએસઆઈ માર્કવાળી અલગ અલગ બ્રાન્ડની દસ હજાર જેટલી રબર ટ્યુબ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણ આવે છે. જે મુજબ કોઈ પણ વ્યક્તિ આ વસ્તુનું ઉત્પાદન બીઆઈએસ તરફથી આઈએસઆઈ માર્કના લાયસન્સ લીધા વગર કરી શકે નહીં. બ્યુરોની પૂર્વ પરવાનગી વિના બ્યુરો માનક માર્કનો બનાવટી ઉપયોગ કરવાવાળાના વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.