Site icon Revoi.in

સુરતઃ જગન્નાથપુરીની ટ્રેનમાંથી ગાંજો લઈને આવેલા ચાર સહિત પાંચની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના રેકેટનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રીય બની છે. બે દિવસ પહેલા જખૌના દરિયામાંથી 280 કરોડનું ડ્રગ્સ અને ગઈકાલે અમદાવાદમાં લગભગ 23 લાખનું ડ્રગ્સ પકડાયા બાદ સુરતમાંથી લાખોની કિંમતમાં ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો ટ્રેનમાં જગન્નાથપુરીથી આવ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓની પણ ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે લાવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રેનમાં આવેલા સંન્યાસી ગૌડા, પપુન જુરીયા શેઠી, શંકર સુરેન્દ્ર ગૌડા, સુશાન્તા ઇલન્ગા ગમનગા અને સનાતન ગોપાલ ગૌડાને પકડી પાડયા હતા. બાદમાં મહિધરપુરા પોલીસે તેઓ પાસેથી 47.912 કિલોગ્રામ ગાંજો મળી કબ્જે કર્યો હતો. થોડા દિવસ પહેલા જ સુરત પોલીસ અને ઓરિસ્સા પોલીસે મળીને ગાજાનો સપ્લાય કરતા મુખ્ય ઇસમોની મિલકતો જપ્ત કરવા માટેની કાર્યવાહી કરી હતી. પાંચ આરોપીઓ પૈકી સનાતન ગૌડા અમરોલી-છાપરાભાઠા ખાતે મધુવન સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઇડરીનું કામ કરે છે. તેણે વેચવા માટે ગાંજો મંગાવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં ગાંજો ઓરિસ્સા-ગંજામના અરુણઅમૂલ્ય પાત્ર અને ઋષિકેશ દુર્યોધન ગૌડાએ સુરતમાં સનાતનને પહોંચાડવા માટે આપ્યો હતો. ચારેય આરોપીને આ ડિલિવરી બદલ રૂપિયા 4-4 હજાર અરુણ પાત્ર અને ઋષિકેશ ગૌડા ચૂકવાયા હતા. સનાતન રેલવે સ્ટેશન પર ગાંજો લેવા આવતા તે પણ ડિલિવરી આપવા આવેલા ચારેય આરોપીઓ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને ઓરિસ્સાના અરૂણ પાત્ર અને ઋષિકેશને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.