અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. તેને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરત શહેરના કતારગામમાં એક જ્વેલર્સમાં સવારે નકલી ગન અને ચપ્પુ લઈને ચાર શખ્સો લૂંટના ઈરાદે અંદર ઘુસ્યાં હતા. જો કે, દુકાનદારે બુમાબુમ કરતા આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. જેથી લૂંટારુઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 3 લુંટારુઓને ઝડપી લેવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાની દુકાન સવારે વેપારી મુનીકેશ ધ્રુવનારાયણભાઈ ગુપ્તાએ ખોલી હતી. દરમિયાન ચાર શખ્સો હથિયારો લઈને અંદર ઘુસ્યા હતા. લુંટારુઓ પાસે ગન અને ચપ્પુ હતું. આ શખ્સો ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ્યા હતા. લુંટારુઓએ વેપારી તથા અંદરના સ્ટાફને બાનમાં લીધો હતો અને લુંટનો પ્રયાસ કર્યો હતો. જો કે, વેપારીએ લુંટારુઓને પડકાર ફેંકીને બુમાબુમ કરતા નાસભાગ મચી ગઈ હતી.
જેના પરિણામે આસપાસના વેપારીઓ તથા અન્ય સ્થળ પર દોડી ગયા હતા. લુંટારુઓએ પકડાઈ જવાના ડરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તૌફીક નાસીરભાઇ મકવાણા (રહે. મહિડા નગર, લસકાણા, કામરેજ)ને પકડી લેવાયો હતો. તેમજ મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની તપાસમાં લુંટારુઓ નકલી ગન લઈને ઘુસ્યાં હતા. લુંટારુઓ લાઈટરવાળી ગન લઈને ગયા હતા.
પોલીસે લુંટના ગુનામાં સંડોવાયેલા અન્ય લુંટારુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તૌકીર મકવાણાના રિમાન્ડ મેળવવાની કવાયત શરુ કરી હતી. પોલીસની તપાસમાં અન્ય ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે લૂંટમાં સંડોવાયેલા 3 લુંટારુઓને ઝડપી લીધા છે.